- રંભાબેન ટાઉનહોલ બાદ લાઇબ્રેરીનું નવીનીકરણ
- સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી વૈકલ્પિક સ્થળે ખસેડવાની કવાયત
સુરેન્દ્રનર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના હાર્દ સમાન ટાવરચોક વિસ્તારમાં આવેલ રંભાબેન ટાઉન હોલ અને તેની બાજુમાં આવેલી મુખ્ય લાઇબ્રેરીને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. બંને ઇમારતો અત્યંત જૂની અને જર્જરિત હોવાથી સલામતીના ભાગરૂપે તેનું નવીનીકરણ કરવામાં આવશે. હાલ ટાઉન હોલ તોડવાની કામગીરી ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ લાઇબ્રેરી તોડવાની પ્રક્રિયા શરૂ થશે.
આ નિર્ણયને પગલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ છે. પોલીસ ભરતી સહિતની અન્ય ખાતાકીય પરીક્ષાઓ નજીક હોવાથી વિદ્યાર્થીઓનું વાંચન ન બગડે તે જરૂરી છે. તંત્ર દ્વારા લાઇબ્રેરીને કામચલાઉ ધોરણે એન.ટી.એમ. શાળા અથવા ખાલી પડેલી કન્યા શાળા ખાતે ખસેડવા અંગે ગંભીર વિચારણા હાથ ધરવામાં આવી છે.
મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા વાચક વર્ગને ન્યૂનતમ વિક્ષેપ પડે તે રીતે જગ્યા ફાળવવા કવાયત તેજ કરાઈ છે. આગામી સમયમાં અહીં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી નવી લાઇબ્રેરી ઊભી કરવામાં આવશે. જોકે, નવા બિલ્ડિંગના નિર્માણ સુધી વાંચન માટે યોગ્ય વાતાવરણ જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવા વિદ્યાર્થીઓ અને જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે.


