શિનોર તાલુકો અને પોઇચાને જોડતો નર્મદા નદી પરનો રંગ સેતુ બ્રિજ માત્ર ૨૦ વર્ષમાં જ ખખડધજ બની ગયો
વર્ષ-૨૦૧૫માં જ બ્રિજમાં ખામી થતા રૃા.૧૦ કરોડ અને વર્ષ-૨૦૨૧માં ભૂકંપથી નુકસાન થતા રૃા.૧.૨૫ કરોડ ખર્ચાયા હતા
શિનોર, તા.૧૦ વડોદરા જિલ્લામાં શિનોર અને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાને જોડતા નર્મદા નદી પરના રંગ સેતુ પુલની હાલત માત્ર ૨૦ વર્ષમાં જ ખખડધજ થઇ ગઇ છે. આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડે તેમ હોવા છતાં ભારદારી સહિતના સંખ્યાબંધ વાહનોની અવરજવર રોજેરોજ બ્રિજ પરથી થઇ રહી છે.
શિનોર તાલુકામાં શિનોર-નાંદોદ તાલુકાને જોડતો પોઇચા બ્રિજ જે રંગ સેતુ તરીકે જાણીતો બનેલ છે. તેનું લોકાર્પણ વર્ષ ૨૦૦૫માંં કરવામાં આવ્યું ત્યારથી બ્રિજ પરથી મહારાષ્ટ્ર જતા ભારદારી વાહનોને સરળતા રહે છે તેમજ બ્રિજના કારણે વડોદરા અને નર્મદા જિલ્લો સામાજિક રીતે જોડાયેલો રહેતો હતો. આ બ્રિજમાં વર્ષ ૨૦૧૫-૧૬માં મોટી ખામી સર્જાતા તેના પરથી વાહન વ્યવહાર બંધ કરાવતા પુલ ગુણવત્તા અંગે વિવાદ સર્જાયો હતો. બાદમાં બ્રિજનું સમારકામ આશરે રૃા.૧૦ કરોડના ખર્ચે કરાયું હતું. બ્રિજ પર છ માસ કરતા વધુ સમય સુધી રિપેરિંગ ચાલ્યું ત્યારે બ્રિજની ગુણવત્તા સામે બ્રિજનું નિર્માણ કરનાર કંપની ગેમન ઇન્ડિયા અને સરકારના જે તે સમયના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો થયા હતાં.
ત્યારબાદ વર્ષ ૨૦૨૧માં ભૂકંપ આવતા પુલને નુકસાન થતા ભારદારી વાહનો માટે બ્રિજને બંધ કરી રૃા.૧.૨૫ કરોડનો ખર્ચ કરી બે મહિના સુધી બ્રિજની મરામતનુ કામ કરાયું હતું. અત્યારે પણ બ્રિજ પર ખાડા પડી ગયા છે અને બ્રિજ ક્યારે ધબાય થાય તેવો અનુભવ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોને થાય છે. આ બ્રિજ પર હાલ ભારદારી વાહનોની અવર જવર વધુ હોય સરકાર દ્વારા રૃા.૨૫૨ કરોડના ખર્ચે બીજો બ્રિજ બનાવવાની મંજૂરી આપતા નકશા અંગેના કામો શરૃ થઇ ગયા છે અને આવતા માર્ચ સુધીમાં બ્રિજનું કામ શરૃ થાય તેવી શક્યતા છે.