ખાતર પર દિવેલ: સુરતમાં 9 વર્ષ જૂનો બ્રિજ રૂ. 7 કરોડના ખર્ચે રીપેર કરાશે, ગુણવત્તા પર પ્રશ્નાર્થ
Surat Bridge : વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના બિસ્માર બ્રિજને રિપેર કરવાની માંગ ઊઠી છે. જોકે, સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે પાલિકાના કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સુરતમાં 9 વર્ષ પહેલાં બનેલા એક BRTS બ્રિજને રૂ. 7 કરોડના ખર્ચે રિહેબિલિટેશન (પુનર્વસન) કરવાનો નિર્ણય લેવાયો છે. આટલા ટૂંકા ગાળામાં કરોડોના ખર્ચે બનેલા બ્રિજને રિપેર કરવાની જરૂર કેમ પડી, તે એક મોટો પ્રશ્ન છે.
ખર્ચ કરોડોનો ખર્ચ, છતાં ટૂંકું આયુષ્ય
આ કિસ્સો સુરતના અણુવ્રત ફ્લાયઓવર બ્રિજનો છે, જે 2016માં BRTS પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતા. સુરત પાલિકા દ્વારા આ દુર્ઘટના પહેલાં પણ બ્રિજનું હેલ્થ ચેકઅપ કરવામાં આવતું હતું. આ સર્વે દરમિયાન, પાલિકાના પ્રિ-મોન્સુન અને પોસ્ટ-મોન્સુન ઇન્સ્પેક્શન રિપોર્ટમાં આ બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરલ ભાગો નબળા હોવાનું સામે આવ્યું હતું. 2016માં જનતા માટે ખુલ્લો મુકાયેલો બ્રિજ માત્ર 9 વર્ષના ટૂંકા ગાળામાં જ રિપેરિંગની જરૂરિયાત ઉભી થતા અનેક પ્રશ્નો સર્જાયા છે.
બ્રિજની ગુણવત્તા અને જવાબદારી પર સવાલ
સામાન્ય રીતે, પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનતા બ્રિજની આયુષ્યમર્યાદા 20 થી 25 વર્ષની હોવી જોઈએ. ત્યારે, માત્ર 9 વર્ષમાં જ આ બ્રિજને રૂ. 7 કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરવાની જરૂર પડવી આશ્ચર્યજનક છે. બ્રિજનું CC સ્ટ્રક્ચર ડેમેજ હોવાનું બહાર આવ્યું છે. રૂ. 55 કરોડના ખર્ચે બનેલો બ્રિજ 9 વર્ષમાં જ જર્જરિત થતો હોય, તો તેના નિર્માણ સમયે સંકળાયેલી એજન્સી (રણજીત કન્સ્ટ્રક્શન, જે શહેરમાં અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહી છે), અધિકારીઓ અને PMC (પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ)ની કામગીરી પર સવાલો ઉભા થાય છે. શું તે સમયે કોઈ ગેરરીતિ થઈ હતી, કે પછી આજે ખોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે? આ જવાબદારી શાસક પક્ષ ભાજપની પણ છે.
સુરત પાલિકાએ અંદાજે રૂ. 7 કરોડના ખર્ચે આ બ્રિજને રિપેર કરવાનો નિર્ણય લીધો છે અને આગામી એકાદ-બે દિવસમાં વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવશે. જોકે, આટલા ટૂંકા ગાળામાં બ્રિજને રિપેર કરવાની કેમ જરૂર પડી તે પ્રશ્નનો સ્પષ્ટ જવાબ પાલિકા હજુ આપી શકી નથી, જેણે જનતામાં ચિંતા અને અનેક તર્ક-વિતર્ક સર્જ્યા છે.