સુરતમાં માનદરવાજા ટેનામેન્ટના ટેન્ડર માટેની સમય મર્યાદા 12 ફેબ્રુઆરીથી વધારી 24 ફેબ્રુઆરી કરવામાં આવી
Surat Mandarwaja : સુરતના રીંગરોડ પર માન દરવાજા ટેનામેન્ટમાં ગુંચવાયેલું કોકડું હજી પણ ઉકેલાતું નથી. પાલિકાએ 214 કરોડના નેગેટિવ પ્રીમિયમ રદ્દ કર્યા બાદ નવેસરથી ટેન્ડર ઈશ્યુ કરાયા હતા. હાલમાં પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા હતા. તેમાં આખરી તારીખ 12 ફેબ્રુઆરી જાહેર કરી હતી. પરંતુ હવે વધુ સ્પર્ધા થાય તે માટે ટેન્ડરની સમય મર્યાદા વધારીને 26 ફેબ્રુઆરી કરવામાં આવી છે.
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા રીંગરોડ માનદરવાજા ટેનામેન્ટ જર્જરિત થતાં પાલિકાએ ખાલી કરાવીને હાલ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. માનદરવાજા ટેનામેન્ટ જર્જરિત થઇ જતા રાજ્ય સરકારની રી-ડેવલપમેન્ટ યોજના અંતર્ગત જર્જરિત માનદરવાજા ટેનામેન્ટને રિડેવલપમેન્ટ માટે કવાયત થઈ રહી છે. જોકે લાંબા સમયથી આ કવાયત ચાલી રહી છે પરંતુ ટેન્ડરમા પાલિકાને સફળતા મળતી નથી. થોડા સમય પહેલાં ટેન્ડર બહાર પડાયા હતા. તેમાં પાલિકાની ઓફર કરતા 214 કરોડનું નેગેટિવ પ્રીમિયમ આવ્યું હતું.
પાલિકાએ નવેસરથી ટેન્ડર બહાર પાડીને ટેન્ડર માટેની આખરી તારીખ 12 ફેબ્રુઆરી જાહેર કરી હતી. જેને વધારીને હવે 24 ફેબ્રુઆરી કરવામાં આવી છે. માનદરવાજા ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે અમદાવાદ અને મુંબઈ મોટા ડેવલોપર જૂથો દ્વારા પણ ઈન્કવાયરી કરવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જો આ પ્રકારે બહારથી એજન્સી આવે તો પાલિકાને ફાયદો થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.
પાલિકા દ્વારા આ પહેલા દફતરે કરાયેલ ટેન્ડરïની ડિઝાઈન કે અન્ય શરતો માં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા ટેન્ડરમાં અગાઉની સરખામણીમાં કેટલીક કામગીરી વધારવા માટેની ચર્ચા હતી. પરંતુ છેવટે દફતરે થયેલ ટેન્ડરની ડિઝાઈન, શરત નવા ટેન્ડરમાં પણ યથાવત રાખવામાં આવી છે. હવે 24 ફેબ્રુઆરી સુધી ટેન્ડરની સમય મર્યાદા લંબાવવામાં આવી હોવાથી આ સમય દરમિયાન કોઈ એજન્સી આવે છે કે નહીં તેના પર પાલિકા સાથે અસરગ્રસ્તોની પણ નજર રહેલી છે.