રાજ્યમાં RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ, પ્રવેશ માટે 96 હજારથી વધુ અરજીઓ આવી
આ અરજીમાં 59 હજારથી વધુ અરજીને માન્ય જ્યારે 29 હજારથી વધુ અરજીને અમાન્ય રાખી હતી
આ ઉપરાંત 7 હજારથી વધુ અરજીને પેન્ડિંગ રાખવામાં આવી છે
Image : Official |
ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ થઈ હતી. રાજ્યની ખાનગી શાળામાં RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે કુલ 96 હજાર કરતા વધુ અરજીઓ મળી હતી. આ અરજીમાં 59 હજારથી વધુ અરજીને માન્ય રાખવામાં આવી છે જ્યારે 29 હજાર કરતા વધારે અરજીને અમાન્ય રાખવામાં આવી હતી. આ ઉપરાંત 7 હજારથી વધુ અરજીઓની હાલ તપાસ ચાલી રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અરજીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.
ઓનલાઈન ફોર્મ 10મી એપ્રિલથી ભરવાનું શરુ થયુ હતું
રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને RTE હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ માટે 96,707 અરજીઓ મળી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિભાગે આમાંથી 59,268 અરજીઓ માન્ય રાખવામાં આવી છે અને 29 હજારથી વધુ અરજીમાં ડોક્યુમેન્ટ અભાવ અથવા ખોટા ડોક્યુમેન્ટના કારણે અમાન્ય રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 7,449 અરજીઓ તપાસ હેઠળ પેન્ડિંગ રાખવામાં આવી છે. રાજ્યમાં RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ 10 એપ્રિલથી ભરવાનું શરૂ થયુ હતુ અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ એટલે કે ગઈકાલે હતી.
ગયા વર્ષની સરખામણીમાં અરજીઓની સંખ્યામાં ભારે ઘટાડો
RTE કાયદા હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓએ તેમની કુલ ઉપલબ્ધ બેઠકોના 25 ટકા બેઠક પર આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો ફરજિયાત છે. રાજ્ય સરકાર શૈક્ષણિક વર્ષ 2023-24માં ખાનગી શાળાઓમાં 83,326 વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. આ બેઠકો રાજ્યભરની 9,855 શાળાઓની છે. વિભાગે જણાવ્યું હતું કે આ ઉપલબ્ધ બેઠકોમાંથી 42,021 બેઠકો ગુજરાતી માધ્યમની શાળાઓમાં, 37,775 અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અને બાકીની 3,530 બેઠકો ઉર્દૂ, મરાઠી, હિન્દી અને ઉડિયા ભાષાની શાળાઓની છે. ગયા વર્ષે રાજ્ય સરકારે 71,396 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અરજીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.