અમરેલી જિલ્લામાં ફરી કાળચક્ર ફર્યું : મહિલા સહિત ચારના મોત

24 કલાકમાં આપઘાત સહિતના ચાર અરેરાટીજનક બનાવ
ચુલામાં કેરોસીનનું ડબલું પડતા મહિલા, માથા પર વૃક્ષની ડાળી પડતા શ્રમિકે જીવ ગુમાવ્યો, કેન્સરગ્રસ્ત યુવાનને જિંદગી ટૂકાવી, નીલગાય આડી ઉતરતા બાઈકચાલકને અકસ્માત
ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે રહેતા ૪૬ વર્ષીય જયાબેન કાબાભાઇ કલસરીયા વહેલી સવારે પોતાના ઘરકામમાં વ્યસ્ત હતા. આ દરમિયાન તેઓ માળિયા ઉપર કેરોસીનનું ડબલું મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે અચાનક હાથમાંથી ડબલું છટકીને નીચે સળગતા ચુલામાં પડયું હતું. જેથી મોટો ભડકો થયો હતો, જેમાં જયાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
બીજો બનાવ બગસરાના નવા વાઘણીયા ગામની સીમમાં બન્યો હતો. અહીં ૪૧ વર્ષીય દીપકભાઇ મધુભાઇ રાંક નામના યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે દીપકભાઇ છેલ્લા આઠ વર્ષથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડાતા હતા અને માનસિક રીતે ભાંગી પડયા હતા. હવે પીડા અસહ્ય બનતા તેમણે મોતને વહાલું કર્યું હતું.
ત્રીજી ઘટનામાં બાબરા તાલુકાના નાની કુંડળ ગામે સીમ વિસ્તારમાં ખેતીકામ કરતા ૩૫ વર્ષીય અનિલભાઇ જેસાભાઇ મેર ખેતરમાં મશીન વડે લીમડાના ઝાડની ડાળીઓ કાપી રહ્યા હતા. અચાનક એક વિશાળ ડાળી તૂટીને તેમના માથા પર પડી હતી. જેથી ગંભીર ઈજા થવાથી તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ચોથી ઘટનામાં રાજુલા રોડ પર ૪૮ વર્ષીય કેશુભાઇ વલકુભાઇ ધાખડા પોતાની મોટરસાયકલ પર વાવેરા જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર અચાનક એક રોજડું (નીલગાય) દોડતું આડું ઉતર્યું હતું. જેથી બાઇક સ્લીપ થઈ જતાં ગંભીર ઇજાઓ થવાથી સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.








