વિસાવદરમાં પિતા-માતા સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ
પિતા ખાતેદાર ન હોવા છતાં પુત્રએ તેમના નામે લીધેલી જમીનનો કબ્જો ખાલી ન કરતાં લેન્ડગ્રેબીંગ કમિટીનો આદેશ
વિસાવદરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઈ લાલજીભાઈ વિરાણીએ કલેક્ટરમાં અરજી કરી હતી કે, તેના પિતા લાલજીભાઈ તથા તેની સાવકી માતા ચંદ્રીકાબેને તેની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી લીધો છે. ધર્મેન્દ્રના માતા વિજ્યાબેનનું ૩૦ વર્ષ પહેલા અવસાન થયું હતું. અવસાન થયાને છ-સાત માસ બાદ તેના પિતા લાલજીભાઈએ ચંદ્રીકાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્રના માતા વિજ્યાબેનનું અવસાન થતા તેના મોટી મોણપરી સ્થિત તેના મામા રતીભાઈ શામજીભાઈ કાપડીયા તથા ભૂપતભાઈએ વિજ્યાબેનના વારસદાર તરીકે ધર્મેન્દ્રના મોટાભાઈ શૈલેષભાઈનું વારસદાર તરીકે નામ દાખલ કરતા તેઓ ખાતેદાર બન્યા હતા. ત્યારબાદ વર્ષ ર૦૧રમાં શૈલેષભાઈ અને ધર્મેન્દ્રએ વિસાવદરથી માણંદીયા જતા રસ્તા પર ૧૮ વિઘા ખેતીની જમીન લીધી હતી. જમીન લીધી ત્યારે પિતા અને પુત્રો સાથે રહેતા હોવાથી બંને પુત્રોએ તેની સાવકી માતા અને પિતા લાલજીભાઈને જમીનમાં વાવેતર કરવા આપી હતી. બાદમાં પિતા-પુત્રો અલગ થઈ જતા પિતા અને સાવકી માતાએ તેમના પુત્રની જમીનનો કબ્જો સોંપ્યો નહી જેના કારણે વિવાદ શરૃ થયો હતો.
આ અંગે પુત્ર ધર્મેન્દ્રએ લેન્ડગ્રેબીંગ કમિટી સમક્ષ ફરિયાદ કરી હતી કે, તેમના પિતા ખાતેદાર નહી હોવા છતાં પોતાની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીન ખાલી કરતા નથી અને જમીન પર પુત્રો જાય તો તેને ગાળો દઈ ધમકી આપે છે. આ અંગેની લેન્ડગ્રેબીંગ કમિટીએ ખરાઈ કરી તા.૬-૧૧-ર૦રપના પિતા લાલજી શામજી વિરાણી અને તેમની પત્ની ચંદ્રીકાબેન લાલજીભાઈ સામે લેન્ડગ્રેબીંગ મુજબ ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. આ આદેશ બાદ વિસાવદર પોલીસે ધર્મેન્દ્ર લાલજીભાઈ વિરાણીની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


