શોભાવડલામાં ત્રિપલ મર્ડરનો ઘટસ્ફોટ, પૂરાવાના નાશમાં માતા મદદગાર હત્યા બાદ સગીરે ભાઈ-ભાભીનાં કપડાં સળગાવી દીધા: ઢાળિયામાં મૃત્તદેહો દાટીને માતા- પુત્ર કશું ન બન્યું હોય તેમ ત્યાં જ રહ્યાં
જૂનાગઢ, : વિસાવદર તાલુકાના શોભાવડલાની સીમમાં ખોડિયાર માતાજીનાં મંદિરે થયેલા હત્યાકાંડમાં પોલીસે આ બનાવમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર અને તેની માતા સામે ગુનો દાખલ કર્યો છે. સગીરે ગત તા. 16ના તેના સગા ભાઈ અને ગર્ભવતી ભાભીને પાઈપના ઘા મારી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ બંનેની લાશને નગ્ન કરી ઘરમાં દાટી દીધી હતી, જ્યારે માતાએ ઘરમાં લોહીના ડાઘ સાફ કરી પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. આ અંગે મૃતક કંચનબેનના પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રિપલ મર્ડરના ગુનામાં સગીર હત્યારા ભાઈની તથા તેની માતાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, બિલખા-માણેકવાડા સ્ટેટ હાઈવે પર કાનાવડલા ગામના પાટીયા પાસે શોભાવડલા (લશ્કર) ગામની સીમમાં ખોડીયાર મંદિરે સગીરે તેના ભાઈ શિવમગીરી અજયગીરી દશનામીને ગત તા. 16ના સવારે 10 વાગ્યાના અરસામાં માથાના ભાગે લોખંડના પાઈપ મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં શિવમગીરીની પત્ની કંચનબેન કે જેઓને પાંચથી છ માસનો ગર્ભ હતો તેને પણ તે જ લોખંડના પાઈપ વડે માથાના ભાગે માર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બંનેની હત્યા કર્યા બાદ ખોડીયાર મંદિરમાં આવેલા તેમના મકાનના ઢાળીયામાં ખાડો કરી બંને મૃતકનાં કપડાં કાઢી નગ્ન હાલતમાં દાટી દીધા હતા. મૃતક ભાઈ-ભાભીના લોહીવાળા કપડાને સળગાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સગીર તથા મૃતક શિવમગીરીની માતા વિભાબેન ઉર્ફે બીરમાદેવીને સગીરે સમગ્ર બનાવ અંગે વાત કરી હતી. જેના કારણે માતા વિભાબેને તથા સગીરે ઘરમાં રહેલા લોહીના ડાઘને તથા લોખંડના પાઈપમાં રહેલા લોહીના ડાઘ સાફ કરી નાખ્યા હતા.
આ સમગ્ર મામલે મૃતક ગર્ભવતી કંચનબેનના પિતા બુલબુલકુમાર સિંઘ હ્યદીસિંઘ કુરમી (રહેવાસી- જિલ્લો ખગડીયા, બિહાર)એ જમાઈ અને પુત્રીની હત્યા કરવાના ગુના સબબ જમાઈના ભાઈ તથા તેમની માતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર તથા હત્યામાં મદદગારી કરનાર માતા વિભાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સગીર અને તેની માતા હત્યાકાંડને અંજામ આપી પોતે કંઈ કર્યું જ નથી તેવી રીતે રહેતા હતા પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તે કહેવત મુજબ હત્યાકાંડના 16 દિવસ બાદ પાપનો ઘડો ફૂટી જતા સગીર અને તેના માતા પર સમગ્ર પંથકમાં ફીટકાર વરસી રહ્યો છે.


