- તે વેળાએ કોરોનાને લીધે કામધંધો ચાલુ ન થાય તો ગામડે ચાલ્યા જવું પડશે તેમ કહેતા માઠું લગાડી આપઘાત કર્યાનું જુઠાણું ચલાવ્યું હતું
સુરત
મોટા વરાછાની ગોપીનાથ સોસાયટીમાં દોઢ વર્ષ અગાઉ એક સંતાનની માતા દ્વારા અનાજમાં નાંખવાની દવા ખાઇ આપઘાત કરવાના પ્રકરણમાં પતિનું પરસ્ત્રી સાથેના આડાસંબંધ કારણભૂત હોવાનું બહાર આવતા અમરોલી પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના જસદણ ગામના શિવરાજપુરના ખેડૂત મનજી પોપટભાઇ ત્રાપસીયા (ઉ.વ. 50) ની પુત્રી શિલ્પાના નવેમ્બર 2008માં રત્નકલાકાર ભાવેશ છગન હિરાણી (રહે. એ 126, ગોપીનાથજી સોસાયટી, લજામણી ચોક, મોટા વરાછા) સાથે થયા હતા અને સંતાનમાં નવ વર્ષનો એક પુત્ર છે. પરસ્ત્રી સાથે સંબંધ ધરાવતા ભાવેશ શિલ્પાને શરૂઆતથી ત્રાસ આપતો હતો અને તેની જાણ શિલ્પાએ પિયરમાં પણ કરી હતી. પરંતુ શિલ્પાનું લગ્ન જીવન બચાવવાના ઉદ્દેશથી કોઇને જાણ કરી ન હતી. પરંતુ 14 જુલાઇ 2020 માં શિલ્પાએ અનાજમાં નાંખવાની દવા ખાઇ આપઘાત કરી લીધો હતો. જે તે વખતે ભાવેશે એવું કહ્યું હતું કે કોરોનાને કારણે કામધંધો બંધ હતો અને જો દસેક દિવસમાં ધંધો શરૂ નહીં થાય તો ગામડે ચાલ્યા જવું પડશે.

આ બાબતથી નારાજ શિલ્પાએ મોત વ્હાલું કરી લીધું હતું. પરંતુ ગત દિવસોમાં શિલ્પાની માતા નીમુબેનને સંબંધી હસ્તક જાણવા મળ્યું હતું કે ભાવેશને શિલ્પાના મોસાળ પક્ષની યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને ડિસેમ્બર 2020 માં લગ્નની વાત લઇ તેની પ્રેમિકાના ઘરે ગયા હતા. જયાં શિલ્પાના આપઘાત મુદ્દે વાતચીતમાં ઝઘડો થયો હતો. જેથી નીમુબેને આ અંગે અમરોલી પોલીસમાં જમાઇ ભાવેશ વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવતા ભાવેશની અટકાયત કરી છે.


