- યંગસ્ટર્સ અને ખાણી પીણીની શોખીન માટે ફરાળી વાનગીઓ બની રહી છે સુરતી ટેસ્ટમાં
- ફરાળી, ચેવડો અને ખીચડી સાથે હવે ફરાળી ઉંધીયું, ફરાળી પાત્રા, રતાળુ કંદ અને ફરાળી મુઠીયા ઉપરાંત ચટણી પણ ફરાળી
પ્રતિનિધિ દ્વારા, સુરત, રવિવાર
શ્રાવણ માસ હોય કે શિવરાત્રી જેવા મોટા તહેવારો આ દિવસોમા ઉપવાસ રાખતા યંગસ્ટર્સનું પ્રમાણ વધી રહ્યું છે. યંગસ્ટર્સ ઉપવાસ કરે છે પરંતુ વડીલો જેવા ઉપવાસ નહીં ચટાકેદાર ખાઈને ઉપવાસ કરે છે. જેના કારણે સુરતના ખાણી પીણીના બજારમાં મોટા તહેવારના ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીઓના રસથાળનું ચલણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં શિવરાત્રીનો તહેવાર આવતો કેટલીક ફરસાણની દુકાનોમાં તો ફરાળી થાળી પણ પીરસવામાં આવી રહી છે.

પહેલાના સમયમાં લોકો ઉપવાસ કરતાં ત્યારે નકરોડા કે એક ટાઈમ ખાઈને ઉપવાસ કરતાં અને તેમાં માત્ર પાણી જ પીતા હતા. પરંતુ હાલના ફાસ્ટ યુગમા આવા ઉપવાસનું પ્રમાણ ઘટ્યું છે. હજી પણ કેટલાક જુના લોકો આવા ઉપવાસ કરે છે. જોકે, છેલ્લા કેટલાક વખતથી યંગસ્ટર્સમાં ધાર્મિકતાનું પ્રમાણ વધવા સાથે તેઓ પણ શ્રાવણ માસ સાથે હિન્દુઓના મોટા તહેવારના ઉપવાસ કરી રહ્યાં છે. પરંતુ આ ઉપવાસમાં તેઓ જીભના ચટાકાને દુર રાખી શકતા નથી. જેના કારણે સુરતના ફરાળી વાનગીનું વેચાણ કરતા વેપારીઓને તડાકો થઈ રહ્યો છે. ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે વેપારીઓ નવી નવી ફરાળી વાનગીઓનું વેચાણ કરતા થઈ ગયાં છે.

સુરતના ચૌટા બજારમાં ફરસાણની દુકાન ધરાવતા રિધ્ધિશ ઠાકર કહે છે, પહેલાં ફરાળી વાનગી ઘણી જ ઓછી બનતી હતી પરંતુ ગ્રાહકોની ડિમાન્ડના કારણે હાલમાં અમે ફરાળી ઉંધીયું બનાવ્યું છે. તેની સાથે સાથે ફરાળી ચાટ ( રતાળુ, બટાકા અને સક્કરીય)ની પણ બનાવીએ છીએ.

આ ઉપરાંત ફરાળી પાત્રા, રતાળુ કટલેસ, રથાળુની વેફર અને ફરાળી મુઠીયા પણ બનાવીએ છીએ. આ સાથે રૃટીન ફરાળી પેટીસ અને ચેવડો તો ખરા જ પરંતુ તેનું ચલણ ઓછું થઈ રહ્યું છે.

વરાછા વિસ્તારમાં ફરસાણની દુકાન ચલાવતા દેવાંગ પટેલ કહે છે, યંગસ્ટર્સમાં ઉપવાસનું પ્રમાણ વધ્યું છે પરંતુ તેઓ ફાસ્ટ ફુડથી ટેવાયેલા હોય આ દિવસોમાં પણ આવા ટેસ્ટની વાનગી મળે તેવું ઈચ્છે છે તેના કારણે અમે ફરાળી વાનગી માં અનેક નવી વેરાઈટી બનાવી છે. અમારે ત્યાં ફરાળી વાનગી માં દહીં પેટીસ, આલુ સીંગ ટીક્કી, કાજુ વડા, કાજુ કટલેસ જેવી નવી વસ્તુઓ બનાવવામાં આવે છે.



