Get The App

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો

સ્કૂલ વાન ચાલકે સાડા ત્રણ વર્ષની બાળકીના ગુપ્તાંગ સાથે અડપલા કર્યા હતા

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
આરોપી સાદીકને  અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો  દંડ ફટકાર્યો 1 - image

વડોદરા : નર્સરીમાં અભ્યાસ કરતી માત્ર સાડા ત્રણ વર્ષની બાળકીના ગુપ્તાંગ સાથે અડપલા કરનારા સ્કૂલ વાન (ઈકો ગાડી) ચાકલને પોક્સો એક્ટ હેઠળ કસુરદાર ઠેરવી અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, કુમળી વયની બાળકીઓ સાથે થતા આવા અત્યાચારો સમાજ માટે કેન્સર સમાન છે.

કેસની વિગત એવી છે કે, જુલાઇ ૨૦૨૩માં બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે, સ્કૂલ વાન (ઈકો ગાડી)ના ડ્રાઈવર સાદીક  જોરુભાઈ રાઠોડે શાળાએથી ઘરે લાવવા-લઈ જવા દરમિયાન તેમની માસૂમ બાળકીના ગુપ્તાંગો સાથે અડપલાં કરી ગંભીર જાતીય હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી પી.આઇ. આર.ડી.ચૌહાણે જે તે સમયે આરોપીની ધરપકડ કરી હતી. અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન પક્ષે કુલ ૧૬ મૌખિક સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ૩૯ જેટલા દસ્તાવેજી પુરાવાઓ જેવા કે મેડિકલ રિપોર્ટ, એફ.એસ.એલ. રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા.

બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને તે પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય છે, તેથી સજામાં રહેમ રાખવી જોઈએ.આ કેસની સુનાવણીમાં સરકારી વકીલ પી.સી.પટેલ હાજર રહ્યાં હતા અને તેમણે રજૂઆત કરી હતી કે, આવા ગંભીર ગુનાથી બાળકીના માનસિક પટલ પર આજીવન ડાઘ રહી જાય છે અને સમાજમાં સ્ત્રીની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઉભો થાય છે એટલે આરોપીને કડકમાં કડક સજા કરવી જોઇએ.

ન્યાયાધીશે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને લેતા અવલોકન કર્યું હતું કે, આરોપી સામેના ગુનો  નિઃશંકપણે સાબિત થાય છે.આરોપીની ઉંમર કે આથક સ્થિતિ કરતા ભોગ બનનારની પીડા વધુ મહત્વની છે. આથી, અદાલતે આરોપી સાદીક રાઠોડને ૨૦ વર્ષની સખ્ત કેદની સજાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે પીડિતાના પુનઃવસન માટે રૃા.૩ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

 

(બોક્સ)

માસૂમની કાલીઘેલી ભાષામાં આપેલી કેફિયતે આરોપીને જેલ ભેગો કર્યો

આ કેસમાં સૌથી હૃદયદ્રાવક અને વળાંક લાવનારી બાબત બાળકીની હિંમત હતી. જ્યારે બાળકીની માતા તેને નવડાવી રહી હતી, ત્યારે માતાએ દિકરીને કેટલીક બાબતો પુછતા તેણે પોતાની કાલીઘેલી ભાષામાં ે નિર્દોષતાથી કહ્યું હતું કે, વાનવાળા અંકલ મને અંદર આંગળી નાખીને અડપલાં કરે છે.માતાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીના આ શબ્દો અને તેની શારીરિક સ્થિતિ જ આ કેસમાં સૌથી મોટો મૌખિક પુરાવો સાબિત થયો હતો, જેના આધારે કોર્ટે આરોપી સાદીકને કોઈ પણ પ્રકારની રહેમ વગર જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.