ફી નહી લેવાનો સરકારનો આદેશ કોર્ટે ફગાવ્યો, સ્કૂલો ફી ઉઘરાવી શકશે
સંચાલક મંડળના મતે લાખ્ખો શિક્ષકો માટે ખુશીનો દિવસઃ સરકારના આદેશ શામે સંચાલકોએ કોર્ટમાં પિટીશન કરી હતી
સુરત તા. 31 જુલાઇ 2020 શુક્રવાર
જયાં સુધી વાસ્તવિક રૂપે શાળા શરૂ નહિ થાય ત્યાં સુધી શાળા ફી ઉઘરાવી નહીં શકે તેવા રાજયના સરકારના આદેશને હાઇકોર્ટમાં પડકારનાર શાળા સંચાલકોને રાહત મળી છે. હાઇકોર્ટ દ્વારા સરકારના આદેશને રદ કરી ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાની સાથે સંચાલકો ફી ઉઘરાવી શકશે તેવો હુકમ કર્યો છે.
ગત તા. 16 જુલાઇએ રાજય સરકાર દ્વારા જયાં સુધી વાસ્તવિક રૂપે શાળા શરૂ નહીં થાય ત્યાં સુધી ફી ઉઘરાવી શકશે નહિ તેવા આદેશની સામે શાળા સંચાલક મહામંડળે વિરોધ નોંધાવી ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું હતું. જો કે બે દિવસ બાદ સંચાલકોએ વિદ્યાર્થી હિતમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરી દીધું હતું અને સરકારની કેટલીક નિતીઓનો વિરોધ કરવાની સાથે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. સરકારે જે આદેશ કર્યો હતો તેમાં શાળાની વૈકલ્પિક પ્રવૃતિઓ, સુવિધા સામે શાળા હાલમાં બંધ છે જેથી જયાં સુધી વાસ્તવિક રૂપે શાળા શરૂ નહીં થાય ત્યાં સુધી ફી વસુલ કરી શકાશે નહીં. ઉપરાંત વાસ્તવિક રૂપે શાળા શરૂ થાય ત્યારે ફી ની રકમ સરભર કરી આપવાનો આદેશ કર્યો હતો. આ બાબતનો કોર્ટએ અભ્યાસ કર્યા બાદ સરકારના ફી સંબંધિત નિર્ણયને રદ કર્યો છે. જેથી હવે શાળાઓ વાલીઓ પાસેથી ફી વસુલી શકશે. જો કે સંચાલક મંડળના આગેવાનોએ કોરોના વાયરસના કપરી સ્થિતિમાં જે સક્ષમ વાલીઓ છે તેમને ફી ભરવા અને જે વાલીઓ ફી ભરી શકે તેમ નથી તેમને ફી ભરવા માટે કોઇ દબાણ નહીં કરવાનું નક્કી કર્યું છે.
સરકારના અમાનવીય અને અસંવેદનશીલ નિર્ણય સામે ન્યાય મળ્યો
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રવકતા દિપક રાજયગુરૂએ હાઇકોર્ટના ચુકાદા અંગે જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારની ફી નહીં ભરવી તે અમાનવીય, અસંવેદનશીલ અને એક પક્ષીય નિર્ણય હતો. પરંતુ કોર્ટએ જે નિર્ણય કર્યો છે તે યોગ્ય છે અને રાજયભરની અંદાજે 16 હજારથી વધુ શાળામાં કામ કરતા શિક્ષકો અને કર્મચારીઓ માટે ખુશીનો દિવસ છે. અમારી રજૂઆત હાર-જીત માટે ન હતી પરંતુ યોગ્ય અને તટસ્થ નિર્ણય માટેની હતી અને અમને ન્યાય મળ્યો છે.