For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લીફ્ટ તૂટી પડવાની દુર્ઘટનામાં સાત શ્રમિકોના મોત કેસમાં ત્રણેય આરોપીઓના જામીન કોર્ટે ફગાવ્યા

Updated: Nov 23rd, 2022

Article Content Image

- સેશન્સ કોર્ટનો બહુ મહત્ત્વનો ચુકાદો 

અમદાવાદ,તા.23 નવેમ્બર 2022,બુધવાર 

ગુજરાત યુનિવર્સિટી પાસે એડોર એસ્પાયર ટુ બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લીફ્ટ તૂટી પડવાની દુર્ઘટનામાં સાત નિર્દોષ શ્રમિકોના મોતના ચકચારભર્યા કેસમાં આજે ત્રણેય આરોપીઓ સૌરભ કમલેશકુમાર શાહ, નૈમીશ કિરીટભાઇ પટેલ અને દિનેશ મણિલાલ પ્રજાપતિને જામીન આપવાનો આજે સેશન્સ કોર્ટે પણ સાફ ઇનકાર કરી દીધો હતો. કેસની ગંભીરતાને ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ વી.એ.રાણાએ ત્રણેય આરોપીઓને આ કેસમાં ચાર્જશીટ રજૂ થયા બાદ પણ જામીન આપવાની ના પાડી દીધી હતી અને તમામની રેગ્યુલર જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.

ચાર્જશીટ રજૂ થયા બાદ પણ ત્રણેય આરોપીઓને જામીનના મળ્યા, સેશન્સ કોર્ટનું આકરૂં વલણ, ચાર્જશીટ પહેલા હાઇકોર્ટે પણ જામીન આપ્યા ન હતા

ચકચારભર્યા આ કેસમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓ સૌરભ કમલેશભાઇ શાહ, નૈમીશ કિરીટભાઇ પટેલ અને દિનેશ મણિલાલ પ્રજાપતિ વિરૂધ્ધ મેટ્રોપોલીટન કોર્ટમાં  સાપરાધ મનુષ્ય વધ સહિતની ગંભીર કલમો હેઠળ બહુ મહત્ત્વનું અને એક હજાર પાનાનું દળદાર ચાર્જશીટ દાખલ કર્યું હતું. સાપરાધ મનુષ્ય વધનો કલમ ૩૦૪ હેઠળનો ગુનો ગંભીર હોવાથી આરોપીઓએ તેની સામે બચાવ લીધો હતો કે, આ કલમ ખોટી રીતે લાગુ પડાઇ છે અને મૃતકોના આશ્રિતોને વળતર ચૂકવાયું છે. જો કે, રાજય સરકાર તરફથી આરોપીઓની અરજીનો સખત વિરોધ કરતાં જણાવાયું હતું કે, આરોપીઓ જાણતા હોવાછતાં નિર્દોષ મજૂરોને સેફ્ટીના પૂરતા અને જરૂરી સાધનો આપ્યા વિના કામે લગાડયા હતા. આરોપીઓની ગંભીર બેદરકારી અને નિષ્કાળજીના કારણે ગરીબ પરિવારના સાત શ્રમિકોના મોતના કારણે તેમના પરિવારો નિરાધાર અને લાચાર બન્યા છે. આવા ગંભીર પ્રકારના ગુનાને કોર્ટે સહેજપણ હળવાશથી લેવો જોઇએ નહી અને આરોપીઓની જામીન અરજી ફગાવી દેવી જોઇએ. 

આરોપીઓ વિરૂધ્ધ પ્રથમદર્શનીય રીતે સાપરાધ મનુષ્યવધનો કલમ-૩૦૪નો ગુનો ઃ કોર્ટે 

કોર્ટે પોતાના ચુકાદામાં બહુ મહત્ત્વનો પોઇન્ટ એ નોંધ્યો હતો કે, આ કેસમાં આરોપીઓ વિરૂધ્ધ પ્રથમદર્શનીય રીતે સાપરાધ મનુષ્ય વધનો ઇપીકો કલમ-૩૦૪નો ગુનો લાગુ પડે છે. કોર્ટે અવલોકન કર્યું કે, આ કેસમાં આરોપીઓ વિરૂધ્ધ ઇપીકો કલમ-૩૦૪ અને ૩૦૪(એ) મુજબનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે. ફરિયાદની હકીકત જોતાં પણ ૧૪ માળે લીફ્ટના જે કોલામાં સેન્ટીંગનું કામ કરતાં મજૂરો જે જગ્યાનું હંગામી સ્ટ્રકચર જોતાં માત્ર લાકડાના પાટિયા દિવાલ સાથે ચોડીને લોખંડના જેક સપોર્ટ આપી જેના પર માત્ર ૧૮ એમએમની પ્લાયવુડની શીટ ત્રણ ઇંચ પહોંળાઇની લાકડાની પટ્ટીઓ પર ફીટ કરી બનાવેલ પ્લેટફોર્મ પર ઉભા રહી ઉપરોકત મજૂરો કામ કરતા હતા અને તે સ્ટ્રકચર ખૂબ જ નબળુ અને વધુ વજન ઝીલી ન શકે તેવું હોવાથી સ્ટ્રકચર તૂટી પડતાં તેના પર ઉભા રહી કામ કરતાં મજૂરો લીફટના કોલામાં(પેસેજમાં) નીચેની બાજુએ બેઝમેન્ટ-૨ તરફ પટકાયાહતા અને તેના કારણે મોતને ભેટયા હતા. આ હકીકત ધ્યાને લેતાં આરોપીઓએ મજૂરોને સેફ્ટીના પૂરા સાધનો પૂરા પાડયા નહી હોવાનું અને બિલ્ડીંગના ૧૪ માળેથી પડી જવાથી માણસનું મૃત્યુ થાય તેવું આરોપીઓને જ્ઞાાન હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે, આ સંજોગોમાં આરોપીઓ વિરૂધ્ધ ઇપીકો કલમ-૩૦૪(સાપરાધ મનુષ્ય વધ)નો ગુનો લાગુ પડે છે. વળી, ચાર્જશીટ રજૂ થયા બાદ પણ કેસના સંજોગો બદલાયા નથી. આ સંજોગોમાં ત્રણેય આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે. 

વળતર ચૂકવી દેવા માત્રથી ગુનાની ગંભીરતા ઓછી ના થાય ઃ કોર્ટ

પ્રસ્તુત કેસમાં પ્રાથમિક તપાસ દરમ્ન સ્થળ પંચનામા દરમ્યાન એફએસએલ અદિકારીએ સ્થળ પર વીઝીટ કરી હતી અને તેમાં બંને જગ્યાએ બનાવેલ હંગામી સ્ટ્રકટર નબળા હોવાના કારણે મજૂરોના વજનના કારણે તૂટી ગયુ હોવાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. વધુમાં ૧૪મા માળે તથા છઠ્ઠા માળે કામ કરતા મજૂરોને કોઇપણ પ્રકારના સેફ્ટીગીયર્સ વિના જ કામગીરી સોંપી અન્ય જરૂરી સુરક્ષા વ્યવસ્થા નહી કરી અકસ્માત થાય તેવા સંજોગોમાં કામદારોનું જીવનું જોખમ છે તે હકીકત જાણતા હોવાછતાં આરોપીઓએ ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવી છે., જેના કારણે સાત નિર્દોષ મજૂરોના કરૂણ મોત નીપજયા છે. તમામ મજૂરો સેફ્ટીનેટ કે સેફ્ટીના સાધનો વિના કામ કરતા હોવાનુ તપાસમાં સ્પષ્ટ થયુ છે. આરોપીઓ તરફથી મૃતકોના આશ્રિતોને વળતર ચૂકવાયાનો બચાવ લેવાયો છે પરંતુ વળતર ચૂકવવાના કારણે ગુનાની ગંભીરતા ઓછી થઇ જતી નથી. 

Gujarat