Gujarat

કોમનવેલ્થ ગેમ્સ તૈયારીનું કાઉન્ટડાઉન શરુ, અમદાવાદમાં મોડલ રોડ, ફાયર સ્ટેશન,સીવીક સેન્ટર બનાવાશે

By GS TEAM
10 Dec 20252 mins read
કોમનવેલ્થ ગેમ્સ તૈયારીનું કાઉન્ટડાઉન શરુ, અમદાવાદમાં મોડલ રોડ, ફાયર સ્ટેશન,સીવીક સેન્ટર બનાવાશે

અમદાવાદ,બુધવાર,10 ડિસેમ્બર,2025

અમદાવાદમાં વર્ષ-૨૦૩૦માં કોમનવેલ્થગેમ્સ યોજાશે.જેને લઈ તૈયારી અંગેનુ કાઉન્ટડાઉન શરુ કરાયુ છે. શહેરમાં મોડલ રોડ, ફાયર સ્ટેશન અને સીવીક સેન્ટર બનાવવા આયોજન કરાશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ મેલેરીયા વિભાગના અધિકારીને તાકીદ કરતા કહયુ, શહેરમાં વિદેશથી આવતા મહેમાનો મચ્છર વધી ગયાની ફરિયાદ કરે છે.શહેરની પ્રતિષ્ઠા ખરાબ ના થાય  તે જોજો.

કોમનવેલ્થ ગેમ્સને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગ કયાં અને શું કરી શકે એ અંગે મ્યુનિસિપલ કમિશનરે વીકલી રીવ્યુ બેઠકમાં લંબાણપૂર્વક ચર્ચા કરી હતી.શહેરમાં ભદ્રપ્લાઝા પરિસર હવે દબાણમુકત થઈ ગયુ છે. આ પરિસ્થિતિને ધ્યાનમા લઈ કમિશનરે કહયુ, ભદ્ર પ્લાઝામાં વધુમા વધુ વિવિધ કાર્યક્રમ યોજાય અને લોકો  આવે એ પ્રકારનુ આયોજન કરો. શહેરના હેરીટેજ અંગે પ્રચાર-પ્રસારમા વધારો કરવા બી.આર.ટી.એસ.બસનો ઉપયોગ કરો.હાલમા શહેરમાં પ્રવેશવાની મુખ્ય બે એન્ટ્રી છે. એરપોર્ટ ઉપર કોર્પોરેશને આઈકોનિક રોડ બનાવ્યો છે.ત્યારે શહેરની મધ્યમાં કાલુપુર રેલવે સ્ટેશન આદર્શ રેલ્વે સ્ટેશન બને એ માટે સ્ટેશન આસપાસના દબાણ  અને ગંદકી દુર કરો.હાઈ સ્પીડ રેલવે ટ્રેક ઉપર પ્લાન્ટેશન કરવા તેમણે કહેતા,બગીચા વિભાગના અધિકારીએ રેલવે લીઝ માગતુ હોવાનુ કહેતા કમિશનરે કહયુ, તમે જગ્યા માંગજો, લીઝ નહીં માંગે. શહેરમા મોડલ સીવીક સેન્ટર બનાવવા કે જયાં તમામ શહેરીજનો કોર્પોરેશનની તમામ કામગીરી કરાવી શકાય એવી વ્યવસ્થા કરવા કમિશનરે સુચના આપી હતી. શહેરમાં કોર્પોરેશન તરફથી ચાલતી કામગીરીની તમામ વિગત ઓનલાઈન મુકવા તેમણે કહયુ હતુ.જેથી જે તે વિસ્તારમા રહેતા લોકોને એ અંગે જાણ થાય અને તકલીફ ઓછી થાય.

મોડલ ફાયર સ્ટેશન સાથે એક વર્ષમાં પંદર ફાયર સ્ટેશન બનાવાશે

મ્યુનિસિપલ કમિશનરે શહેરની વચ્ચોવચ હોય એવુ એક મોડલ ફાયર સ્ટેશન બનાવવા ફાયર વિભાગના અધિકારીને કહયુ હતુ. વર્ષ-૨૦૨૬-૨૭માં શહેરમા મોડલ ફાયર સ્ટેશન સહિત નવા પંદર ફાયર સ્ટેશન બનાવાશે.હાલમાં ૧૯ ફાયર સ્ટેશન કાર્યરત છે.ત્રણ ફાયર સ્ટેશનનુ કામ  ચાલી રહયુ છે.ચાર નવા ફાયર સ્ટેશન માટે વહીવટી મંજૂરી અપાઈ ગઈ છે.