વડોદરા કોર્પોરેશનમાં ઢોર પકડવાનું વધતા ઢોરના જીવનનિર્વાહનો ખર્ચ વધ્યો
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવા માટે 18 ટીમો કાર્યરત કરવામાં આવી છે, અને ઢોર પકડવાનું પ્રમાણ પણ વધતા કોર્પોરેશન માટે ઢોરના જીવન નિર્વાહનો ખર્ચ વધ્યો છે. હાલ કોર્પોરેશન પાસે ખાસ વાડી, લાલબાગ અને ખટંબા (એક) ઢોરવાડા છે, જ્યાં પકડેલા ઢોર રાખવામાં આવે છે. જોકે સાત દિવસ બાદ આ ઢોરને દંડ ભરીને છોડાવવા માટે કોઈ ના આવે તો પાંજરાપોળ અને ગૌશાળામાં મોકલી દેવામાં આવે છે.
સરકારની સહાયના આધારે કોર્પોરેશન ખટંબા ખાતે વધુ બે ઢોરવાડા બનાવશે, જ્યાં 1000 ઢોરને રાખી શકાશે. હાલ ખટંબામાં વધુ એક ઢોર વાડાની કામગીરી ચાલુ છે. આ કામગીરી પૂર્ણ થતા ત્રીજો પણ ઢોરવાડો ખટંબામાં બનાવવામાં આવશે. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં કોર્પોરેશનના ઢોરવાડા માટે 1.56 કરોડનું ઘાસ ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી છે. જેમાં 19 લાખ કિલો સુકુ ઘાસ અને 18 લાખ કિલો લીલુ ઘાસ ખરીદવામાં આવનાર છે, આ કામ એક વર્ષના ઇજારાનું હતું.