કોર્પોરેશન રસ્તાની કામગીરી માટે દેશની શ્રેષ્ઠ એજન્સીઓના નિષ્ણાંતોની સલાહ લેશે
સમારકામ બાદ ફરી માર્ગ તૂટતા હોય અથવા ભુવા પડવાની ઘટનાઓની મ્યુ. કમિશનરે નોંધ લીધી
શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે માર્ગનું ધોવાણ થવું અને ભુવા પડવાનો સિલસિલો પણ શરૂ થયો છે. સમારકામ બાદ ફરી માર્ગ તૂટતા અથવા ભુવા પડતા હોય તેવી ઘટનાઓની ગંભીરતા ધ્યાને લઈ મ્યુ. કમિશનરે ભારત દેશની શ્રેષ્ઠ એજન્સીઓના નિષ્ણાંતોની સલાહ મુજબ આવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પ્રયાસો હાથ ધર્યા છે.
મળતી માહિતી મુજબ, મ્યુ. કમિશનર અરુણ મહેશકુમાર બાબુએ જણાવ્યું હતું કે, ભુવો પડવાના કિસ્સામાં પાણી- ડ્રેનેજની કામગીરીમાં સુધારો કરાશે, જો કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી જણાય તો નોટિસ ઇશ્યૂ કરી પેનલ્ટી વસૂલવા સૂચના આપી છે, આવા કિસ્સામાં સંપૂર્ણ જવાબદારી ધરાવતા ડ્રેનેજ,પાણી, રોડના કોન્ટ્રાક્ટર અને વરકોડર આપનાર ડે. એન્જિનિયરના રીવ્યુ લઈ આ સિસ્ટમને સુધારવાનો પ્રયત્ન કરીશું, જરૂર જણાય ત્યાં આરસીસી રસ્તાનું પણ નિર્માણ કરીશું, પ્રજાના પૈસાથી કામગીરી થતી હોય અને કોર્પોરેશનની છબી ખરડાતી હોય ત્યારે કાયમી ધોરણે સોલ્યુશન માટે ભારત દેશની શ્રેષ્ઠ એજન્સીઓનાં નિષ્ણાતો સાથે સમીક્ષા બેઠક યોજી વિસ્તારનો અભ્યાસ અને સર્વે કરી તેઓની સલાહ મુજબ આગળ વધીશું.આ ઉપરાંત ઘણા સ્થળોએ હાલ પાણી- ડ્રેનેજ સહિતની કામગીરી ચાલી રહી હોય વરસાદ શરૂ થઈ જતા રસ્તાના સમારકામ માટે પણ જરૂરી સમય મળી શક્યો નથી.