Ahmedabad Ghatlodia News : અમદાવાદના વિવિધ વિસ્તારમાં રોજી રોટી મેળવતા લોકોના લારી-ગલ્લા ઉપાડતા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ઘાટલોડીયા વોર્ડમાં સરકારી જગ્યામાં બનેલા વીસથી વધુ મકાન પૈકી બે મકાનને ગુડા એકટ અંતર્ગત ઈમ્પેકટ ફી વસૂલીને નિયમિત કર્યા છે. સરકારી જગ્યામાં બંધાયેલા મકાનને નિયમિત કરાતા દેવમંદિર કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી દ્વારા રાજય સરકારના શહેરી વિકાસ વિભાગના સેક્રેટરીને ફરિયાદ કરવામા આવી છે. આ મકાનોને નિયમિત કરવા કોર્પોરેશને આપેલા સર્ટિફિકેટ રદ કરવા લેખિત રજૂઆત કરી છે. હાલમા એપેલેટ ઓથોરીટી સમક્ષ સુનાવણી ચાલી રહી છે. સ્નેહાંજલિના કેસમાં બિલ્ડરની ભૂમિકા છતાં તમામ મકાન ગેરકાયદેસર હોવાનુ કહી કોર્પોરેશને તોડી પાડયા હતા. જયારે ઘાટલોડિયામા તો સરકારી જગ્યામાં બનેલા મકાન તોડવાના બદલે કોર્પોરેશન ઈમ્પેકટ ફી લઈ કાયદેસર કરી આપે છે.
શહેરી વિકાસ વિભાગના સેક્રેટરી સમક્ષ થયેલી ફરિયાદમાં સોસાયટીના સભ્યોએ જ પોતાની સોસાયટીની જમીનમાં આ બે મકાન આવતા નથી. તેમ છતાં તેમની સોસાયટીનો ઉલ્લેખ કરીને ઈમ્પેકટ ફી વસૂલી હોવાની રજૂઆત કરી છે. જે સંદર્ભમાં સુનાવણીનો આરંભ કરાયો છે. આ સમગ્ર ગેરરીતીમાં ઘાટલોડિયાના સ્થાનિક કોર્પોરેટર ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગના ત્રણ અધિકારીઓની મિલીભગત હોવાથી તેમની સામે પણ કાર્યવાહી કરવામા આવે તેવી રહીશો તરફથી માંગણી કરાઈ રહી છે.
ઘાટલોડિયા વોર્ડમાં આવતી ચાંદલોડીયાની ટી.પી.સ્કીમ. નંબર-1ના ફાઈનલ પ્લોટ નંબર-59માં આવેલા મકાન નંબર-67 અને 68ના બાંધકામને કોર્પોરેશને ઈમ્પેકટ ફી વસૂલી નિયમિત કરી આપ્યા તેના નિયમિતકરણના હુકમમા દેવ મંદિર કો ઓપરેટીવ સોસાયટી તથા ફાઈનલ પ્લોટ નંબર-60નો સ્પષ્ટ ઉલ્લેખ કરવામા આવ્યો છે. જયારે દેવમંદિર કો ઓપરેટીવ સોસાયટીના રેવન્યુ રેકર્ડ મુજબ, મકાન નંબર-67 અને 68 સોસાયટીના ફાઈનલ પ્લોટની કુલ 8114 ચોરસ મીટર જમીન ઉપર આવેલા જ નથી. ગાંધીનગર એપેલેટ ઓથોરીટી સમક્ષ અપીલ દાખલ થયેલી છે. અત્યાર સુધીમાં પાંચ સુનાવણી થઈ ગઈ છે. તમામ સુનાવણી દરમિયાન ઉત્તર -પશ્ચિમ ઝોનના અધિકારીઓ દ્વારા તંત્રના બચાવ માટે વિરોધાભાસી જવાબ રજૂ કરવામા આવી રહયા છે.
કલેકટરના હક વાળી જગ્યામાં કોર્પોરેશને બાંધકામ કાયદેસર કરી આપ્યા
ગાંધીનગર એપેલેટ ઓથોરીટી સમક્ષ ચાલતી સુનાવણી દરમિયાન મકાન નંબર-67 અને 68 જે જમીન ઉપર આવેલા છે તે જમીન સરકારને એલોટ કરવામા આવી છે. એફ ફોર્મ મુજબ પણ આ જમીન ઉપર કલેકટરનો હકક દર્શાવવામા આવેલો છે. આ પરિસ્થિતિમા પણ કોર્પોરેશનના એસ્ટેટ ખાતાએ ખાનગી મકાન કાયદા વિરુધ્ધ નિયમિત કર્યા જે શંકાસ્પદ બાબત છે. અધિકારીઓની ગેરરીતી હોવાનુ જણાઈ આવે છે. વર્ષ-2011મા મકાન નંબર-67 અને 68ના બાંધકામને કોર્પોરેશન તરફથી નિયમિત કરાયા હતા. બીજી તરફ સોસાયટીના 76 મકાનને માર્જિનની જગ્યામા બાંધકામ થયેલ હોવાથી નોટિસ અપાઈ હતી.


