વડોદરા,માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે ૨૫ ફૂટ ઊંડી ગટરના ખાડામાં પડી જતા યુવાનનું મોતના કિસ્સામાં કામનું થર્ડ પાર્ટી ઇન્સપેક્શન કોર્પોરેશન દ્વારા રાઇટ્સ કંપનીને આપવામાં આવ્યું હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે આ કામના સુપરવિઝન અધિકારીની માહિતી કંપની પાસે માગી છે.
માંજલપુર ગામ કબીર મંદિર પાછળ ગાયત્રીકૃપા સોસાયટીમાં રહેતા વિપુલસિંહ મોહનસિંહ ઝાલાનું મોત તંત્રની બેદરકારીના કારણે થયું હતું. પતિના મોત અંગે તેમના પત્ની માધવીબા ઝાલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કામનો કોન્ટ્રાક્ટ રાખનાર કંપની ઇકોફેસિલિટીઝ મેનેજમેન્ટ સર્વિસીસના માલિકો, કર્મચારીઓને આરોપી દર્શાવવામાં આવ્યા હતા. એ.સી.પી. પી.એન. કટારિયાની સૂચના મુજબ, માંજલપુર પી.આઇ. એલ.ડી. ગમારાએ આ અંગે તપાસ હાથ ધરી કોર્પોરેશન પાસેથી દસ્તાવેજો મગાવ્યા હતા. તે દસ્તાવેજો અનુસાર, આ કામનું ઇન્સપેક્શન થર્ડ પાર્ટીને સોંપવામાં આવ્યું હતું. ગુનો દાખલ થયા પછી કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીના માલિકો અને કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે તેઓના ઘરે તપાસ કરતા કોઇ મળી આવતું નથી. દરમિયાન કામનો કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીના પ્રોપાઇટર ઉર્વી શર્માએ આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે. આવતીકાલે પોલીસ દ્વારા આગોતરા જામીન અંગે સોગંદનામુ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.


