માવઠાંના સતત માહૌલથી કેસર કેરીની આવકમાં વધારો : ભાવ અર્ધા થઈ ગયા
અસહ્ય બફારાથી કેરીને પકવવા કેમીકલની જરૂર જ ન રહી : તાલાલા યાર્ડમાં શરૂઆતમાં રૂ।. 1200ના 10 કિલો લેખે હરાજી અને હવે 20,000 બોક્સની આવક સાથે મહત્તમ ભાવ રૂ।. 700
રાજકોટ, : મે માસમાં અતિશય તાપ પડવાની જગ્યાએ સતત અને વારંવાર ધોધમાર માવઠાં વરસતા રહેતા કેસર કેરીની સીઝન ખેડૂતો માટે બગડી છે તો કેસર કેરીનો માલ બજારમાં થોકબંધ આવવા લાગતા ભાવમાં 40થી 50 ટકા જેવો તોતિંગ ઘટાડો નોંધાયો છે.
ગત વર્ષે તાલાલા યાર્ડમાં 5,90,700 બોક્સ (પ્રત્યેક 10 કિલોના) કેસર કેરીની આવક થઈ હતી. આ વર્ષે તા. 26 એપ્રિલથી યાર્ડમાં આવક શરૂ થઈ હતી અને એપ્રિલ એન્ડ તથા મેની શરૂઆતમાં ખેડૂતોને પ્રતિ બોક્સના રૂ।. 500થી 1200ના ભાવ મળતા હતા. પરંતુ, ગત એક સપ્તાહથી કેસર કેરીની આવક સરેરાશ 20,00 બોક્સની થઈ રહી છે અને ભાવ ઘટીને ગત શુક્રવારે રૂ।. 425થી 900 અને આજે તેથી પણ ઘટીને રૂ।. 220થી 650નો ભાવ મળ્યો હતો.
માવઠાંના પગલે અસહ્ય બફારાથી કેરી કુદરતી રીતે પાકી શકે છે છતાં કૃત્રિમ પકવેલી કેરી વેચાતી રહી છે જે કેરી ખરીદ્યા પછી ખૂબ ઝડપથી બગડી જાય છે ત્યારે મનપાએ આ વર્ષે તેનું ચેકીંગ જ શરૂ કર્યું નથી. રાજકોટની બજારોમાં કેરીના ઢગલા થવા લાગ્યા છે અને પુરતી સપ્લાય વચ્ચે છૂટકમાં રૂ।.૮૦૦-૯૦૦ના ભાવે અને ઓર્ગેનિક ગણાવાતી કેરી રૂ।.1000થી 1200ના ભાવે વેચાય છે.