ગિરનાર ક્ષેત્રમાં વરાપ તો દૂર, હજુ હળવાં ઝાપટાં ચાલુ : કાદવમાં ખૂંચી ગયેલાં પોલીસ- વન વિભાગનાં વાહનોને કાઢવા ક્યાંક ટ્રેક્ટરની મદદ : ક્યાંક ધક્કા મારવા પડયા
જૂનાગઢ, : લીલી પરિક્રમા પૂર્વે ગિરનારમાં હળવાથી ભારે ઝાંપટા વરસી રહ્યા હોવાથી પરિક્રમા રૂટના રસ્તાની સ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. વન વિભાગ દ્વારા હાલ અન્નક્ષેત્રના સંચાલકોને તૈયારી માટે અંદર જવા દેવામાં આવતા નથી પરંતુ તંત્રની તૈયારી માટે સરકારી વાહનો મશીનરી સાથે જઈ રહ્યા છે તે વાહનો કાદવ-કિચડમાં ફસાઈ રહ્યા છે. પોલીસ તથા વન વિભાગના અનેક વાહનો પરિક્રમા રૂટ પર ફસાઈ જતા ટ્રેક્ટરની મદદ વડે તથા પોલીસકર્મીઓએ ધક્કા મારીને કાદવમાંથી બહાર કાઢવાની ફરજ પડી રહી છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગિરનારમાં હળવાથી ભારે ઝાંપટા વરસી રહ્યા છે. આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. વન વિભાગ દ્વારા ભાવિકોની સલામતી માટે ૩૬ કિલોમીટરના રસ્તાને રિપેરીંગ કરવામાં આવ્યો હતો પરંતુ રોજબરોજ પડતા માવઠાએ તંત્રની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. કાદવ-કિચડ સુકાવાને બદલે સતત હળવા-હળવા ઝાંપટા શરૂ રહેતા રસ્તાની સ્થિતિ દિવસે-દિવસે વધુ બગડતી જાય છે. હજુ પરિક્રમા કરવી કે નહી તે નિર્ણય પણ ભારે વરસાદની આગાહીના કારણે લઈ શકાય તેમ નથી. હાલની સ્થિતિ જોતા સમગ્ર રૂટ પર કાદવ-કિચડનું સામ્રાજ્ય જામ્યું છે. કદાચ પરિક્રમા કરવાની થાય તો એકાદ-બે દિવસમાં તૈયારી કરવી અઘરી બની જાય તેમ હોવાથી શક્ય તેટલી વ્યવસ્થા કરવા તંત્ર મથામણ કરી રહ્યું છે.
હાલ પોલીસની રાવટી, પરિક્રમા રૂટ પર લાઈટીંગની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા, પાણીની ટાંકીઓ રાખવાની કામગીરી, સિંહ-દીપડા જેવા પ્રાણીઓના રેસ્ક્યુ સહિતની કામગીરી માટે પાંજરા મુકવાની કામગીરી રૂટના અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવી રહી છે. આ માટે તંત્રના વાહનો પરિક્રમા રૂટ પર જાય છે ત્યારે રસ્તા પરના કાદવમાં ફસાઈ જાય છે. આજે પરિક્રમા રૂટ પર જવાના અલગ-અલગ રસ્તાઓ પરથી અલગ-અલગ વિભાગના વાહનો તૈયારીના ભાગરૂપે ગયા ત્યારે અનેક વાહનો ફસાઈ ગયા હતા. અમુક વાહનોને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી જ્યારે પોલીસના વાહનોને પોલીસ જવાનોએ ધક્કા મારી બહાર કાઢ્યા હતા. આવા સંજોગોમાં જો પરિક્રમા શરૂ કરવામાં આવે તો યાત્રિકો માટે એક પડકારજનક યાત્રા બની જાય તેમ છે.


