જામગઢની હત્યામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો માતા-પિતાની મારકૂટ કરતા ભાઇને મોટા ભાઈએ જ પતાવી દીધો હતો
ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી: આરોપીએ નાના ભાઈની
વાડીએ જઇ પાવડાના પતરાંના એંગલ અને સિમેન્ટ બ્લોકથી હત્યા કરી'તી
રાજકોટ, : રાજકોટ નજીક જામગઢ ગામે આવેલી નકરી નામની વાડીએ થોડા દિવસ પહેલા થયેલી મુકેશભાઈ ઉર્ફે મુકો વેલાભાઈ વાવડીયા નામના ૩૩ વર્ષીય યુવાનની હત્યાનો ભોદ ઉકેલાઇ ગયો છે. આ ગુનામાં ફરિયાદી જ આરોપી નિકળતા ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે મૃતકના મોટાભાઇ વિનુ ઉર્ફે વિનો વેલાભાઈ વાવડીયા (ઉ.વ.૪૦, રહે. જામગઢ બસ સ્ટેન્ડ પાસે)ને પકડી પુછપરછ શરૂ કરી છે.
જામગઢ ગામે રહેતા મુકેશભાઈ વાવડીયા ગઇ તા. 17નાં રાત્રે તેની નકરી નામની વાડીએ હતા ત્યારે અજાણ્યા શખસે તેની હત્યા કરી નાખી હતી. બીજા દિવસે સવારે તેની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતાં કુવાડવા રોડ પોલીસે મૃતકના મોટાભાઇ વિનુ ઉર્ફે વિનો વાવડીયાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
આ મામલે આજી ડેમ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચે પણ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં મુકેશભાઈ ઉર્ફે મુકા વાવડીયા (ઉ.વ. 33)ની તેના જ મોટાભાઈ ફરિયાદી વિનુ ઉર્ફે વિનો વાવડીયા (ઉ.વ.૪૦)એ હત્યા કર્યાનું ખુલતા ક્રાઇમ બ્રાંચે તેને પકડી પુછપરછ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, હત્યાનો ભોગ બનનાર મુકેશ ઉર્ફે મુકો દારૂ સહિતની કુટેવમાં ફસાઇ ગયો હતો. જેના કારણે તે ઘરમાં પણ માથાકૂટ કરતો હતો. એટલું જ નહીં તેની સાથે રહેતા તેના માતા-પિતાને પણ મારકૂટ કરી લીધી હતી. જે તેનો મોટાભાઈ આરોપી વિનુ ઉર્ફે વિનો જોઇ જતાં મુકેશને બોલાવી સમજાવ્યો હતો. પરંતુ તેણે પણ તમાચા ઝીકીં અપશબ્દો કહ્યા હતાં. જેનો ખાર રાખી વિનુએ મુકેશની વાડીએ જઇ પાવડાના હાથામાં લગાવેલા પતરાના એંગલ અને સિમેન્ટના બ્લોકના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. બીજી તરફ ગુનો દાખલ થયા બાદ ક્રાઇમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું હતું. પીએસઆઈ એમ.કે. મોવલીયા સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ તરફ વિનુ રાત્રે મુકેશની વાડી તરફ જતા સીસીટીવી ફુટેજમાં દેખાતાં પોલીસને તેના પર શંકા ગઇ હતી. જેની તેની પૂછપરછ કરાતા તે અલગ-અલગ જગ્યાએ હોવાનું કથન કરી રહ્યો હતો. પરંતુ પોલીસે તપાસ કરતાં તેણે બતાવેલા સ્થળે આરોપી નહીં હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં તેણે જ તેના નાનાભાઈ મુકેશની હત્યા કરી હોવાની કેફીયત આપી હતી.
નાનો ભાઈ મૃત્યુ પામ્યો છે કે નહીં તે જોવા પણ આરોપી ગયો હતો
જામગઢમાં મુકેશ વાવડીયા પર રાત્રે હુમલો કર્યા બાદ આરોપી વિનુ વહેલી સવારે તે મૃત્યુ પામ્યો છે કે નહીં તે જોવા માટે ફરી વાડીએ ગયો હતો. બાદમાં તે મૃત્યુ પામ્યો હોવાનું જણાતા અંતે પોલીસમાં જાહેરાત કરી હતી.