રાજકોટમાં લોકમેળાથી કલેક્ટર તંત્રએ રૂ. 60 લાખનો નફો કર્યો

મનપાના શાસકો આવા કાર્યક્રમમાં પણ નબળા પૂરવાર 14 લાખથી વધુ લોકોને મનોરંજન, 238 સ્ટોલધારકોને કરોડોનો વેપાર : રકમનો જનહિતમાં ઉપયોગ કરવો જરૂરી
રાજકોટ, : રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં તા. 14થી તા. 18 ઓગષ્ટ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા લોકમેળાના હિસાબો ફાઈનલ થઈ રહ્યા છે ત્યારે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા આ લોકમેળા માટે તંત્રને રૂ. 2.07 કરોડ જેવો ખર્ચ થયો હતો અને રૂ. 2.75 કરોડની આવક થઈ છે, હજુ કેટલાક બિલ બાકી છે ત્યારે એકંદરે આશરે રૂ. 60 લખનો નફો થયો છે.
ગત વર્ષે લોકમેળાના આરંભે જ ધોધમાર વરસાદના પગલે તે રદ કરવામાં આવ્યો હતો જેના કારણે આશરે રૂ. 2 કરોડની રકમ તંત્રએ સ્ટોલધારકોને પરત કરવી પડી હતી.આ વખતે ઝરમર ઝાપટાં રૂપે વરસાદ જારી રહ્યો હતો પરંતુ, પાંચ દિવસમાં એ.આઈ.આધરિત મોનીટરીંગમાં રેકોર્ડબ્રેક 14 લાખથી વધુ જનમેદની નોંધાઈ હતી. આમ લાખો લોકોને મનોરંજન ઉપરાંત 238 સ્ટોલધારકોને કરોડોનો વેપાર-નફો થયો હતો તેમજ સેંકડો ફેરિયાઓ અને રિક્ષાચાલકોને પણ નોંધપાત્ર આવક થઈ હતી.
આ રકમ રળ્યા પછી લોકમેળાના જુના મેદાન શાસ્ત્રીમેદાન પ્રતિ કલેક્ટર તંત્રની ઉપેક્ષા આખુ વર્ષ જોવા મળતી હોય છે ત્યારે આ બન્ને મેદાનોમાં કમસેકમ સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાના કામોમાં આ રકમ ખર્ચાય તે જરૂરી છે. ઉલ્લેખનીય છે લોકમેળાના ફંડમાંથી જ હાલ ઈશ્વરીયા ફ્લાવર વેલી ખાતે કેક્ટસ ગાર્ડન બની રહ્યો છે.
આમ તો અનેક શહેરોમાં મહાપાલિકા કે જેમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે તે આયોજન કરતા હોય છે, રાજકોટમાં મનપા આ આયોજન કરે તે માટે કલેક્ટર તંત્ર કરતા ઘણી વધારે તકો રહેલી છે, વળી રેસકોર્સ મેદાન પણ મનપા હસ્તક જ છે પરંતુ, શાસકોમાં આ દ્રષ્ટિ કેળવાઈ નથી. આ કારણે વર્ષે રૂ. 10 કરોડનો ખર્ચ કરીને મનપાના થતા તમામ કાર્યક્રમો કરતા કલે.તંત્રના આ એક કાર્યક્રમમાં વધુ લોકો લાભ લે છે.








