Get The App

૯૫ વર્ષ પહેલાં બંધાયેલી શહેરની ઐતિહાસિક VS હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટની સંખ્યા હવે ઘટીને ૨૦૩ જ રહેશે

સુપ્રિટેન્ડન્ટ દ્વારા રજૂ કરાયેલા ડ્રાફટ બજેટમાં રુપિયા ૩૭ કરોડનો ઘટાડો,હોસ્પિટલની આવક માત્ર ૧.૮૦ કરોડ અંદાજવામા આવી

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
૯૫ વર્ષ પહેલાં બંધાયેલી શહેરની ઐતિહાસિક VS હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટની સંખ્યા હવે ઘટીને ૨૦૩ જ રહેશે 1 - image

અમદાવાદ,બુધવાર,21 જાન્યુ,2026

વર્ષ-૧૯૩૧માં ૯૫ વર્ષ પહેલાં બંધાયેલી શહેરની ઐતિહાસિક અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં આગામી બે વર્ષથી વધુ સમય સુધી ઈન્ડોર પેશન્ટની સંખ્યા ઘટીને ૫૦૭માંથી ૨૦૩ જ રહેશે. સુપ્રિટેન્ડન્ટ દ્વારા વર્ષ-૨૦૨૬-૨૭ માટે બુધવારે ડ્રાફટ બજેટ રજૂ કરાયુ હતુ.જેમાં રુપિયા ૩૭ કરોડનો જંગી ઘટાડો કરવામા આવ્યો હતો.વર્ષ દરમિયાન હોસ્પિટલની આવક રુપિયા ૧.૮૦ કરોડ અંદાજવામા આવી છે.કુલ મળીને રુપિયા ૨૦૭.૧૦ કરોડનુ બજેટ વ્યવસ્થાપક મંડળ સમક્ષ રજૂ કરાયુ હતુ.

એક સમયે ઈન્ડોર અને આઉટડોર પેશન્ટોને આપવામા આવતી સારવારને લઈ વી.એસ.હોસ્પિટલ રાજય ઉપરાંત રાજય બહાર પણ ભારે પ્રસિધ્ધિ પામી હતી.પરંતુ સત્તાસ્થાને બેઠેલા શાસકોની દ્રીધ દ્રષ્ટિના અભાવે આજે આ હોસ્પિટલ માત્ર ચલાવવા પુરતી ચલાવાઈ રહી છે.હોસ્પિટલમાં રોજના સરેરાશ ૭૦૦થી  ૮૦૦ લોકો આઉટડોર પેશન્ટ તરીકે નિદાન કરાવવા અને સારવાર લેવા પહોંચે છે.હોસ્પિટલમા આવેલા હેરીટેજ પ્રકારના મેઈન ટાવર બિલ્ડિંગ સાથે સંકળાયેલા છ વોર્ડના સમારકામ માટે રુપિયા ૨૫ કરોડ તેમજ શેઠ ચિનાઈ પ્રસુતિગૃહ હોસ્પિટલના સમારકામ માટે રુપિયા ૧૫ કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે. સામાન્ય ખર્ચ રુપિયા ૧૬૬ કરોડ તથા અસામાન્ય ખર્ચ રુપિયા ૪૧ કરોડ એમ રુપિયા ૨૦૭ કરોડમાંથી રુપિયા ૨૦૩.૩૦ કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રાન્ટ પેટે આપશે.બે કરોડ રાજય સરકાર ગ્રાન્ટ આપશે.આ હોસ્પિટલમાં હાલની પરિસ્થિતિએ વિવિધ યુનિયનો ધાર્યુ કરાવી રહયા છે.હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટતા ફરજ બજાવતા નર્સીંગ સ્ટાફને કોર્પોરેશન સંચાલિત એલ.જી. તથા શારદાબેન હોસ્પિટલમાં રોટેશન મુજબ હાજર કરવા મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર કર્યો હતો. આમ છતાં મોટાભાગનો સ્ટાફ તેમના ઘરથી નજીક આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ ઉપર હાજર થઈ ગયો. છતાં મેયર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન કરી શકયા.