Gujarat

શહેરમાં ધીમીધારે અર્ધો ઈંચ વરસાદ, 16 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાયો

By GS TEAM
29 Jun 20252 mins read
શહેરમાં ધીમીધારે અર્ધો ઈંચ વરસાદ, 16 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાયો

- જિલ્લાના 7 તાલુકા અને ડેમ વિસ્તારોમાં મેઘરાજાએ હાજરી નોંધાવી

- બરવાળામાં અર્ધો ઈંચથી વધુ પાણી વરસ્યું, બોટાદમાં 2 મિ.મી. અને ગઢડામાં 9 મિ.મી. મેઘમહેર

ભાવનગર : ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે ધૂપ-છાંવ બાદ આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળોએ કલાકો સુધી ધીમીધારે વરસવાનું શરૂ રાખ્યું હતું. સાથે ૧૬ કિ.મી.ની ઝડપે ઠંડો પવન પણ ફૂંકાતા નગરજનોએ ઠંડક અનુભવી હતી.

શહેરમાં બપોરના સાડા ત્રણ વાગ્યા આસપાસ વરસાદનું જોરદાર ઝાપટું વરસ્યા બાદ ધીમીધારે સતત વરસાદ શરૂ રહેતા રાત્રિના આઠ વાગ્યા સુધીમાં ૧૨ મિ.મી. મેઘમહેર થઈ હતી. જેના કારણે રસ્તા પરથી વરસાદી પાણી વહ્યા હતા. બપોર સુધી મેઘવિરામ અને ઉઘાડના કારણે મહત્તમ તાપમાન ૨.૧ ડિગ્રી વધીને ૩૩.૭ ડિગ્રીએ પહોંચી ગયું હતું.જો કે,વાતાવરણમાં આવેલા પલટા અને ઠંડો પવન ફૂંકાવાના કારણે ગરમી કે બફારાનો અહેસાસ થયો ન હતો. ભાવનગર ઉપરાંત વલ્ભલીપુરમાં પણ અષાઢમાં શ્રાવણ જેવા માહોલ વચ્ચે બપોરથી રાત્રિ સુધીમાં ધીમીધારે આઠ મિ.મી. પાણી વરસ્યું હતું. ઘોઘામાં બે મિ.મી.,ગારિયાધારમાં એક મિ.મી., પાલિતાણામાં સાંજે ચાર મિ.મી.,તળાજામાં પાંચ મિ.મી. અને મહુવામાં વહેલી સવારે ચાર તેમજ સાંજે પાંચ મળી નવ મિ.મી. વરસાદ થયો હતો.સિહોર અને જેસરમાં વરસાદી વાતાવરણ વચ્ચે મેઘવિરામ રહ્યો હતો.જ્યારે જિલ્લાના ડેમ વિસ્તારોમાં પણ મેઘરાજાની હાજરી નોંધાઈ હતી.શેત્રુંજી ડેમમાં ૧૦ મિ.મી., રજાવળ ડેમમાં ૧૦ મિ.મી., ખારો અને લાખણકા ડેમમાં ૨૫ મિ.મી., હમીરપરા ડેમમાં ૧૮ મિ.મી. તેમજ બગડ ડેમમાં ૨૦ મિ.મી. વરસાદ વરસ્યો હતો.

ભાવનગર ઉપરાંત બોટાદ જિલ્લાના બરવાળામાં અર્ધો ઈંચથી વધુ ૧૪ મિ.મી., ગઢડામાં નવ મિ.મી. અને બોટાદમાં બે મિ.મી. મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

શેત્રુંજી ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક શરૂ

ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ફરી પાણીની આવક શરૂ થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે આજે વહેલી સવારે છ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી ડેમમાં સતત નવા નીર ઠલવાઈ રહ્યા હતા. રાત્રિના આઠ વાગ્યાની સ્થિતિએ શેત્રુંજીડેમમાં ૮૦૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી હોવાનું સિંચાઈ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. રોજકી ડેમમાં ૧૧ ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ છે.