શહેર અને જિલ્લાનું રાજ્યમાં સૌથી ઓછું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૮૭.૭૭% રિઝલ્ટ
જોકે છેલ્લા ૮ વર્ષનું સૌથી વધુ પરિણામ, ગત વર્ષ કરતાં પણ આશરે ૨ ટકા વધ્યું : ફતેગંજનું સૌથી વધુ ૯૦.૬૩ ટકા પરિણામ
વડોદરા,ફેબુ્રઆરી મહિનામાં વલેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાના આજે જાહેર કરાયેલા પરિણામમાં વડોદરા શહેર-જિલ્લાનું નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૮૭.૭૭ ટકા જાહેર થયું છે. જે છેલ્લા ૮ વર્ષનું સૌથી વધુ છે. ગત વર્ષે શહેર-જિલ્લાનું ૮૫.૨૩ ટકા પરિણામ હતું.
આ વખતે રાજ્યનું સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૩.૦૭ ટકા જાહેર થયુ છે, જો કે વડોદરા શહેર-જિલ્લાનું પરિણામ સમગ્ર રાજ્યમાં છેલ્લા સ્થાને છે.
આ વર્ષે પ્રશ્નપત્ર એકંદરે સારા નીકળ્યા હતા અને તેની અસર પરિણામ પર જોવા મળી હતી. વર્ષ ૨૦૨૩નું પરિણામ ૬૭.૧૯ ટકા હતું અને ગત વર્ષે તેમાં ૧૮ ટકા ઉછાળો જોવાયો હતો. આ વખતે પણ ગયા વર્ષ કરતા પરિણામ આશરે બે ટકા વધુ છે.
પરંતુ વડોદરાનું આ પરિણામ રાજ્યમાં છેલ્લા સ્થાને ધકેલાતા શિક્ષકો પણ વિચારતા થઈ ગયા છે.વડોદરામાંથી ૧૪૬૮૪ નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી ૧૨૮૮૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. ૧૮૩૦ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
વર્ષ ૨૦૨૧માં કોરોનાના કારણે માત્ર પ્રમોશન અપાયું હતું, પણ તે અગાઉ વર્ષ ૨૦૨૦માં વડોદરાનું સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૧.૦૩ ટકા હતું. જ્યારે ૨૦૨૨માં પરિણામ ૭૬.૪૯ ટકા હતું.
વડોદરા શહેરના ૧૦ કેન્દ્રોના પરિણામની સરખામણી કરવામાં આવે તો સૌથી વધુ ૯૦.૬૩ ટકા પરિણામ ફતેગંજ કેન્દ્રનું છે અને સૌથી ઓછું ૮૫.૩૪ ટકા માંજલપુર કેન્દ્રનું છે.