રાજકોટમાં પુરાતત્વ વિભાગની વર્તુળ કચેરી પટ્ટાવાળાનાં ભરોસે!
- બસ્સોથી વધુ રક્ષિત સ્મારકોની જવાબદારી જેના શિરે છે તે
- જમીન વિકાસ નિગમના કર્મચારીઓ હાજર ન થતા કલાર્ક પણ ન રહયા
રાજકોટ, તા. 19 ઑક્ટોબર, 2020, સોમવાર
સૌરાષ્ટ્રનાં ગૌરવવંતા ઈતિહાસને સાચવતા રક્ષિત સ્મારકોની જાળવણીની જવાબદારી જેમના શિરે છે તેવી પુરાતત્વ વિભાગની કચેરી જ ધણીધોરી વગરની બની છે. સરકારની ઉપેક્ષાનો વર્ષોથી આ મહત્વની કચેરી ઉપેક્ષાનો ભોગ બની રહી છે. સોૈરાષ્ટ્રનાં ર૦૦ થી વધુ રક્ષિત સ્માસ્કોની જવાબદારી સંભાળતી રાજકોટ સ્થિત સહાયક પુરાતત્વ વિભાગની કચેરી હાલ પટૃાવાળાનાં ભરોસે ચાલી રહી હોય તેવી દયાજનક સ્થિતિ નિમાર્ણ થઈ છે.
રાજકોટનાં જયુબીલી ગાર્ડનનાં પરિસરમાં આવેલી સહાયક પુરાતત્વ વિભાગની વર્તૂળ કચેરીમાં છેલ્લા ઘણાં વર્ષોથી સ્ટાફની કમી છે. આ મહત્વની કચેરીનાં વડા તરીકે રેગ્યુલર કોઈનું પોસ્ટીંગ વર્ષોથી કોઈનું કરવામાં આવ્યુ નથી. ઈન્ચાર્જથી વહીવટ ચલાવવામાં આવી રહયા છે કચેરીમાં કોઈ ટેકનિકલ સ્ટાફ કે વહીવટી સ્ટાફ નથી. માત્ર એક કલાસ ફોરનાં કર્મચારી અને એક આઉટ સોર્સિંગ એજન્સીનાં પટૃાવાળા કક્ષાના સ્ટાફથી કચેરીનું ગાડુ ગબડાવવામાં આવી રહયુ છે. એક સમયે સોૈરાષ્ટ્ર ઝોનની આ મહત્વની કચેરી દ્રારા ઉત્ખન્ન , નવા સ્થળોનું સંશોધન અને મોજણીનું કામ મહિનાઓ સુધી ચાલતુ હતુ પરંતુ ધીરે ધીરે સ્ટાફ ઘટતો ગયો તેમ કામગીરી ઘટતી ગઈ. વર્ષોથી કોઈ ટેકનીકલ સ્ટાફ ન હોય મોજણી સહિતનાં કામો નવી સાઈટનાં સંશોધનનું કાર્ય દાયકાઓથી બંધ થઈને પડયુ છે.
જૂનાગઢનો એરીયા રાજકોટ કચેરી હેઠળ આવે છે જૂનાગઢમાં સોૈથી વધુ રક્ષિત સ્મારકો આવેલા છે. સરકારે જમીન વિકાસ નિગમ બંધ થતા તેના બે - ત્રણ કર્મચારીઓને રાજકોટ પુરાતત્વ વિભાગની કચેરી માટે ફાળવવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર ન થતા હાલ રેગ્યુુલર હોય તેવા માત્ર પટૃાવાળા કક્ષાના કર્મચારીઓનાં ભરોસે આ મહત્વની કચેરીનું કામ ચાલી રહયુ છે. હેરીટેજ સ્થળોને લઈને સરકાર એક તરફ યોજનાઓ જાહેર કરે છે ત્યારે બીજી તરફ પુરાતત્વ કચેરી જેવી મહત્વની કચેરી કર્મચારી વિહોણી બની છે. રાજકોટ કે સોૈરાષ્ટ્રનાં ધારાસભ્યો કે અગ્રણીઓને પણ આ મહત્વની કચેરીનાં પ્રશ્નો ઉઠાવવામાં રસ ન હોય તેવુ જોવા મળી રહયુ છે.