Get The App

દ્વારકામાં ઠાકોરજીનાં બાલસ્વરૂપને ચાંદીના રથમાં બેસાડી જગત મંદિરની 4 પરિક્રમા

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
દ્વારકામાં ઠાકોરજીનાં બાલસ્વરૂપને ચાંદીના રથમાં બેસાડી જગત મંદિરની 4 પરિક્રમા 1 - image


અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા ઉત્સવમાં ભાવિકો ઉમટયા : ખંભાળિયામાં ઈસ્કોન ગૃપ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢીને છપ્પનભોગ દર્શન, આરતી, કિર્તન, પ્રસાદ સાથે અષાઢી બીજની ઉજવણી

દ્વારકા, ખંભાળિયા, : યાત્રાધામ દ્વારકામાં અષાઢી બીજ નિમિત્તે આજે શનિવારે રથયાત્રા ઉત્સવ યોજાયો હતો, જેમાં ઠાકોરજીનાં બાલસ્વરૂપને ચાંદીનાં રથમાં બેસાડી જગત મંદિરની ચાર પરિક્રમા કરાવવામાં આવી હતી. આ ઉપરાંત ખંભાળિયામાં ઈસ્કોન ગૃપ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢીને છપ્પનભોગ દર્શન, આરતી, કિર્તન, પ્રસાદ સાથે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી.

યાત્રાધામ દ્વારકા જગત મંદિર ખાતે અષાઢી બીજ નિમિતે શનિવારે સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી રથયાત્રા ઉત્સવની ભક્તિભાવપૂર્વક પુજારી પરિવાર અને ભાવિકોની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી. ઠાકોરજીના બાલસ્વરૂપને ચાંદીના રથમાં બેસાડી બેન્ડવાજા તેમજ શરણાઈના શુરોના ભજનો સાથે જગત મંદિર પટાગણમાં ચાર પરીક્રમા કરાવવામાં આવી હતી. દરેક પરીક્રમા વખતે પરિક્રમા પૂર્ણ થયા બાદ ઠાકોરજીને ભોગ સામગ્રી તેમજ વિશેષ મહાઆરતી કરવામાં આવી હતી. શ્રીજીની ચોથી અંતિમ પરિક્રમા પૂર્ણ થયા બાદ રથને મંદિર પટાગણમાં દેવકીજીના મંદિર પાસે આવેલા સ્થંભમાં અથડાવામાં આવ્યો હતો. ભાવિકો ભગવાનનો રથ ખેંચી ભાવવિભોર બન્યા હતા. 

બીજી તરફ આજે ખંભાળિયામાં દર વર્ષની જેમ ઇસ્કોન ગૃપ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેકવિધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. સવારે બેઠક રોડ પર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે છપ્પનભોગના દર્શન, આરતી, પ્રવચન, કિર્તન, પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી સાંજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો મહાપ્રભુજીની બેઠકજી ખાતેથી પ્રારંભ થયો હતો. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. જેમાં ખંભાળિયા ઉપરાંત જામનગર, રાજકોટ, દ્વારકા તેમજ વિદેશથી પણ અનેક કૃષ્ણભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

Tags :