લખતર ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપાવામાં આવ્યો
મહિલા સરપંચને સસ્પેન્ડ કરાતા
ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારી બદલ મહિલા સરપંચને ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
સુરેન્દ્રનગર - લખતર ગ્રામ પંચાયતના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાતા ચાર્જ ઉપસરપંચને સોંપાવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારી બદલ મહિલા સરપંચને ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
લખતર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રંજનબેન ગંગારામભાઈ વરમોરા(પટેલ) ગત ચૂંટણીમાં સરપંચ તરીકે વિજેતા બન્યા હતા. પરંતુ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન મહિલા સરપંચ દ્વારા પતિને સાથે રાખી વિવિધ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની અને ફરજમાં બેદરકારી દાખવી હોવાની ગ્રામજનો સહિત આગેવાનોની ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. ફરિયાદના આધારે તપાસ બાદ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિાક દ્વારા તાજેતરમાં ગત તા.૧૧ ઓગષ્ટના રોજ મહિલા સરપંચ રંજનબેન વરમોરાને ગુજરાત પંચાયત ધારા અધિનિયમની કલમ હેઠળ સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
બીજી બાજુ મહિલા સરપંચને હોદ્દા પરથી દુર કરવામાં આવતા જ્યાં સુધી સરપંચની ચૂંટણી નહીં થાય અથવા અન્ય બીજો હુકમ ન થાય ત્યાં સુધી સરપંચ તરીકેનો તમામ ચાર્જ લખતર ટીડીઓના હુકમથી ગ્રામ પંચાયતના ઉપસરપંચ હિરાબેન રમેશભાઈ વડોદરીયાને સરપંચ તરીકેના અધિનિયમની જોગવાઈ હેઠળ સોંપવામાં આવ્યો છે. તેમજ વહીવટી કામો કરવા માટે સરપંચના હોદ્દાની જવાબદારીનો હુકમ કરવામાં આવતા લખતર ગ્રામ પંચાયતના ઉપસરપંચ હીરાબેન વડોદરીયાને તલાટી દ્વારા વિધીવત રીતે સરપંચ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.