Get The App

આજે યુનિ.માં વસંત પંચમીના કાર્યક્રમ બાદ કુલપતિ-કુલનાયકને વિદાય અપાશે

Updated: Feb 5th, 2022

GS TEAM

Google News
Google News

નવા કુલપતિને બદલે 'ઈન્ચાર્જ'ને હવાલો સોંપવાની કવાયતો ત્રણ વર્ષના કાર્યકાળના લેખાજોખા : માળખાકિય સુવિધાઓ વધી પરંતુ લાંછનરૂપ પ્રકરણોને લીધે યુનિ.નો વહીવટ વધુ વિવાદાસ્પદ બની રહ્યો

 રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.નાં પ્રવર્તમાન કુલપતિ અને કુલનાયકની મુદ્દત તા. 6  ફેબ્રુ.ના પુરી થતી હોવાથી આવતીકાલ તા. 5 ફેબ્રુ.ના યુનિ.માં બન્ને પદાધિકારીઓનો વિદાય સમારોહ અને ઋણ સ્વિકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સંભવત: આવતીકાલ તા.5 ના સાંજ સુધીમાં યુનિ.ના નવા કાર્યકારી કુલપતિનુ નામ શિક્ષણ વિભાગમાંથી જાહેશ થશે. જેઓ તા. 7ને સોમવારે યુનિ.નો કાર્યભાર સંભાળે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિ.ના 18મા કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટિની નિમણુંક બે મહિના પહેલા થઈ ગઈ હોવા છતાં આજ સુધી નવા કુલપતિનું નામ ફાઈનલ નહીં થતાં હવે તા. 7ને સોમવારથી કાર્યકારી કુલપતિને સૌરાષ્ટ્ર યુનિ.નો હવાલો સોંપવાની નોબત આવી પડી છે. સંભવત: સિનિયર ડીનને યુનિ.નો હવાલો સોંપવામાં આવે તેવી શક્યતા છે. 

પ્રવર્તમાન કુલપતિ પ્રો.નીતિન પેથાણી અને કુલનાયક ડો.વિજય દેશાણી આવતીકાલ તા.૫ના સવારે 11.30 કલાકે વસંત પંચમીના પર્વ નિમિત્તે સરસ્વતિ માતાનું પુજન કરશે. પુ.ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પહાર કર્યા બાદ બપોરે 12 કલાકે નોન ટીચીંગ સ્ટાફ સાથે સેનેટ હોલમાં આયોજિત ઋણ સ્વીકાર કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યારબાદ બપોરના 4.30 કલાકે દરેક ભવનના હેડ અને સિન્ડીકેટ સભ્યો અને અધ્યાપકોની ઉપસ્થિતિમાં આયોજિત વિદાય સમારોહ કાર્યક્રમમાં હાજર રહેશે. 

દરમિયાન, કુલનાયકની જગ્યા ખાલી રહેવાની હોવાથી યુનિ.ની માલિકીની તમામ ચીજવસ્તુઓનો હવાલો સુપ્રત કરી દેવામાં આવ્યો હતો. ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન યુનિ.માં માળખાકીય સુવિધાઓ ઉભી કરવા ઉપરાંત કેટલાક વિવાદાસ્પદ પ્રકરણોએ યુનિ.ના વહીવટને લાંછન લગાડયું છે. આ પ્રકારની તમામ કામગીરીના લેખાજોખા સાથે આવતીકાલ તા. 5 ફેબ્રુ.ના યુનિ.ના પ્રવર્તમાન કુલપતિ પ્રો.પેથાણી અને કુલનાયક ડો.વિજય દેશાણી વિદાય લેશે.