કેપ્ટન પાયલટે જ વિમાનની ફ્લુઅલ સ્વિચ બંધ કરી હતી: વોલ સ્ટ્રીટ જર્નલ
- અમદાવાદ પ્લેન ક્રેશ: બોઇંગ પર અમેરિકી મીડિયા ચૂપ, પાયલટ પર દોષારોપણ
- વોલ સ્ટ્રીટ જર્નલ સામે કાયદાકીય પગલા લઇશું, આખો રિપોર્ટ જુઠાણા પર આધારિત: ભારતીય પાયલટ્સ સંગઠન
- પ્રાથમિક રિપોર્ટના આધારે નિષ્કર્ષ ના કાઢી શકાય, કોઇ પણ પ્રકારનો ભ્રમ ફેલાવવાથી દૂર રહો: એએઆઇબી
વોશિંગ્ટન : અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ વિમાન અકસ્માતને લઇને અનેક અટકળો ચાલી રહી છે. એવામાં હવે અમેરિકન મીડિયા દાવા કરવા લાગ્યું છે કે કેપ્ટન પાયલટ દ્વારા જ ફ્યુઅલ સ્વિચ બંધ કરી દેવામાં આવી હતી જેને કારણે એન્જિનને ફ્યુઅલ ના મળ્યું અને વિમાન ક્રેશ થઇ ગયું, જેમાં ૨૭૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. અમેરિકન મીડિયાએ આ રિપોર્ટ વિમાન અકસ્માતના પ્રાથમિક રિપોર્ટને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કર્યો છે. પ્રાથમિક રિપોર્ટમાં પાયલટો વચ્ચેની વાતચીતને ધ્યાનમાં રખાઇ છે.
અમેરિકાના અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં પાયલટોની વાતચીતનો ઉલ્લેખ કરાયો છે. અને દાવો કરાયો છે કે કોકપિટમાં બન્ને પાયલટો વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થાય છે કે વિમાનની ફ્યુઅલ સ્વિચ કેપ્ટન પાયલટ દ્વારા જ બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે વિમાનના ફર્સ્ટ ઓફિસ પાયલટે સીનિયર પાયલટને સવાલ કર્યો કે તમે ફ્યુઅલ સ્વિચ કેમ બંધ કરી તો સીનિયર પાયલટે તેનો કોઇ જવાબ નહોતો આપ્યો અને શાંત રહ્યો હતો. આ દરમિયાન ફર્સ્ટ ઓફિસર પાયલટ ઘણી ચિંતામાં હતા. વધુ અનુભવને કારણે કોકપિટની કમાન સીનિયર પાયલટના હાથમાં હતી, કોકપિટમાં થયેલી વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે ફ્લુઅલ સ્વિચ તેમણે જ બંધ કરી હતી. જ્યારે અમેરિકન મીડિયાએ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એઆઇઆઇબી)ના પ્રાથમિક રિપોર્ટના આધારે આ દાવો કર્યો છે ત્યારે હવે એઆઇઆઇબીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ સમગ્ર મામલામાં પ્રાથમિક રિપોર્ટના આધારે કોઇ પણ પ્રકારના નિષ્કર્ષ પર ના પહોંચી શકાય. જે પણ લોકોએ આ અકસ્માતમાં જીવ ગૂમાવ્યો છે તેમના પરિવાર પ્રત્યે સંવેદનશીલતા અને સન્માન રાખવું જરૂરી છે. તપાસ ચાલી રહી છે એવામાં હાલ કોઇ પણ નિષ્કર્ષ પર ના પહોંચી શકાય. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સે પણ અમેરિકન મીડિયાના દાવા ફગાવ્યા હતા. અને કહ્યું હતું કે વોલ સ્ટ્રીટ જર્નલનો રિપોર્ટ પાયા વિહોણો છે, તેની સામે કાયદેસર પગલા લેવાના પ્રયાસો કરીશું. સંગઠને કહ્યું હતું કે પ્રાથમિક તપાસ રિપોર્ટમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે પાયલટ દ્વારા જ સ્વિચ બંધ કરી દેવામાં આવી હતી.
અમેરિકન મીડિયા જુઠા અહેવાલ પ્રકાશિત કરી રહી છે. અંતિમ રિપોર્ટ સામે ના આવે ત્યાં સુધી કોઇ નિષ્કર્શ પર ના પહોંચવું જોઇએ. આપણે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા વિમાનના ક્રૂ પ્રત્યે સન્માન જાળવવું જોઇએ. એટલુ જ નહીં આ સંગઠને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખ્યો હતો અને હાલ અમદાવાદ વિમાન અકસ્માત પર જે તપાસ ચાલી રહી છે તેના પર શંકા વ્યક્ત કરી હતી. સાથે જ કહ્યું હતું કે તપાસના પ્રાથમિક રિપોર્ટ પરથી લાગી રહ્યું છે કે આ સમગ્ર તપાસ પાયલટની ભુલ પર કેન્દ્રીત છે.
કોઇ પણ પ્રકારના સચોટ પુરાવા વગર બધુ પાયલટો પર ઢોળાઇ રહ્યું છે. ટેક્નીકલ ખામી અંગે કોઇ વિસ્તૃત તપાસ નથી થઇ રહી.