Updated: Mar 18th, 2023
- ત્રાગડ ઉત્સવ વે સ્કીમના ફલેટનો વિવાદ
અમદાવાદ,તા.18 માર્ચ 2023,શુક્રવાર
સાબરમતી પોલીસ સ્ટેશનમાં મહિલા ડૉકટર પાસેથી બાના પેટે સાત લાખ રૂપિયા લઈ ત્રાગડ ઉત્સવ વે સ્કીમના બિલ્ડરોએ ફલેટ બીજાને વેચી માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સાબરમતી પોલીસે બનાવ ચાર જણા વિરૂધ્ધ ગુરૂવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ભૂમિ ડેવલોપર્સના નામે ૩૧.૪૬ લાખનો બેંકનો ડિમાન્ડ ડ્રાફટ બનાવી આપ્યો હતો
સાબરમતીના ત્રાગડ ગામમાં નિલકંઠ બંગલોમાં રહેતાં અને બીએએએમએસ ડૉકટર ક્રિષ્નાબહેન ઉમિયાશંકર તપોધન (ઉં ૩૧)એ સાબરમતી પોલીસ સ્ટેશનમાં મેહુલ દિનેશભાઈ પટેલ, પરેશ છગનભાઈ બેંકર, દિવ્યાંગ પોપટલાલ પારગી અને પરેશ પટેલ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદીએ ભૂમિ ડેવલોપર્સના સંચાલકોની ઉત્સવ વે સ્કીમમાં ફલેટ વેચાણ પેટે લેવાનો નિર્ણય કરી બાના પેટે ૭.૭૦ લાખ રૂપિયા આપી સોદો ફાઈનલ કર્યો હતો.ફલેટની બાકીની રકમ માટે લોન પેપર્સ તૈયાર કરાવ્યા હતા. લોન પાસ થતાં ફરિયાદીએ ભૂમિ ડેવલોપર્સના ભાગીદાર એવા ચારે આરોપીઓને રૂ.૩૧,૪૬,૪૦૦નો ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર કરાવી બતાવ્યો હતો. આ પ્રોસેસ પુરી થયા બાદ ફરિયાદી ગત તા.૩-૧૦-૨૦૨૨ના રોજ બપોરે ચાર વાગ્યે ફલેટ પર ગયો ત્યારે તેઓના ફલેટ પર બીજાના નામની નેમ પ્લેટ લાગેલી હતી. ફરિયાદીએ રજૂઆત કરતા બિલ્ડરે બીજો ફલેટ વેચાણ આપવાની વાત કરી હતી. જો કે, તે ફલેટ પણ બીજાને વેચી દીધાની જાણ ફરિયાદીને થતા તેઓએ તત્કાળ અસરથી ડિમાન્ડ ડ્રાફટ કેન્સલ કરાવ્યો હતો. જો કે, ફરિયાદીએ બાના પેટે આપેલી રૂ.૭.૭૦ લાખની રકમ પરત મેળવવા માટે આરોપીઓ સામે ફરિયાદ કરી હતી.