સગરામપુરાના બિલ્ડર પાસે રૂા. 3 લાખની ખંડણી માંગનાર વધુ બે પકડાયા
તમે બાંધકામ કરો છો તો અમારૂ પણ ધ્યાન રાખો, આ અમારો એરિયો છે અને બાંધકામમ કરવું હોય તો પૈસા આપવા પડશે
સુરત તા. 21 જુલાઇ 2020 મંગળવાર
સગરામપુરા લુહાર શેરીમાં મકાનનું રીનોવેશન કરાવી રહેલા બિલ્ડરને `તમે બાંધકામ કરો છો તો અમારૂ પણ ધ્યાન રાખો, આ અમારો એરિયો છે અને તમારે બાંધકામ કરવું હોય તો તમારે મને રૂા. 3 લાખ આપવા પડશે` એવી ધમકી આપનાર માથાભારે ફારૂક તલ્લોઇના વધુ બે સાથીદારની પોલીસે ધરપકડ કરી છે.
સગરામપુરા લુહાર શેરી 1 સ્થિત વોર્ડ નં. 22 માં મકાન નં. 3203 નું રીનોવેશન કરી રહેલા બિલ્ડર યુનુસ મો. હુસેનમીયા લોખંડવાલા (ઉ.વ. 55 રહે. ઘર નં. 12/395 હકીમ ચીચી ફાર્મસી સામે, ટંકશાળીવાડ, રાણીતળાવ) ને છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિક વિસ્તારનો માથાભારે અઝીઝ જરીવાલા અને ફારૂક તલ્લોઇ ધમકી આપતા હતા. અઝીઝે યુનુસને કહ્યું હતું કે તમે બાંધકામ કરો છો તો અમારૂ પણ ધ્યાન રાખો, આ અમારો એરિયો છે અને તમારે બાંધકામ કરવું હોય તો રૂા. 3 લાખ તો આપવા જ પડશે. તમે પૈસા નહિ આપો તો એસએમસી અરજી કરી તમારૂ બાંધકામ તોડાવી નાંખીશ અને એસએમસી નહિ તોડે તો અમે તોડી નાંખીશું. એવી ધમકી ઉચ્ચારી મકાનમાં સીસીટીવી લગાવી રહેલા યુનુસ અને તેના બે પુત્ર ઇરફાન તથા ઇમરાન અને ભત્રીજા અબુબકરને માર મારી ઘરની ચાવી છીનવી લીધી હતી. આ ઘટનામાં અઠવાલાઇન્સ પોલીસે માથાભારે રીઢા ગુનેગાર મોહમદ ફારૂક ઉર્ફે ફારૂક તલ્લોઇ ગુલામ મોહમદ મુલ્લા અને અબ્દુલ અઝીઝ અબ્દુલ ગની જરીવાલાની પુછપરછના આધારે તેમના વધુ બે સાથીદાર મુસ્તાક મોહમદ હુસૈન શેખ (ઉ.વ. 26 રહે. ખ્વાજાનગર, માનદરવાજા) અને ઇમરાન ઇબ્રાહીમખાન પઠાણ (ઉ.વ. 32 રહે. ભેસ્તાન આવાસ, ડીંડોલી) ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.