શેઢી નદી પર 2.35 કરોડના ખર્ચે બનતા પુલનું કામ 4 વર્ષથી બંધ
- ઠાસરા તાલુકાના વણોતી ગામ પાસે
- ડાયવર્ઝન ધોવાતા 5 ગામના લોકોને હાલાકી તંત્રને હજૂ નવા ટેન્ડરની મંજૂરીની રાહ
ઠાસરા તાલુકાના વણોતી ગામ પાસેથી પસાર થતી શેઢી નદી ઉપર ચાર વર્ષથી પુલનું કામ ખોરંભે પડતા પુલના થાંભલા હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. ૨૦૨૨માં રૂા. ૨.૩૫ કરોડના ટેન્ડરથી કામ શરૂ કર્યા બાદ અચાનક કામ બંધ કરી દેવાયું હતું. ટેન્ડર રદ કરી કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કર્યો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. ત્યારે હાલ નવા ટેન્ડર મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ઠાસરા તાલુકાના વણોતીથી પીલોલ રસુલપુર (ઠા) એકલવેલું સહિતના પાંચથી વધુ ગામોના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓને ડાકોર ભણવા જવા માટે શેઢી નદીના ડાયવર્ઝનથી જ પસાર થવું પડે છે. આણંદ, નડિયા, વિદ્યાનગર જતા વિદ્યાર્થીઓ પણ આ ટૂંકા રસ્તેથી જ ડાકોર તરફ આવન- જાવન કરે છે. ઉનાળામાં ડાયવર્ઝન બનાવ્યું હતું. ત્યારે ભારે વરસાદમાં ડાઈવર્ઝન ધોવાઈ જતા તેમજ કિચડ થઈ જતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ માટે જોખમી બન્યું છે. લાકડાં વીણીને આવતી મહિલાઓને પણ જોખમી ડાઈવર્ઝન પરથી પસાર થવું પડી રહ્યું છે. કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કર્યા બાદ ચાર વર્ષથી પુલનું કામ ખોરંભે પડતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સત્વરે ટેન્ડર પ્રક્રિયા કરવા સાથે પુલનું કામ શરૂ કરાય પાંચ ગામના લોકોની માંગણી છે.
સર્કલ વિભાગમાંથી નવા ટેન્ડરની મંજૂરી મળ્યા બાદ કામ શરૂ થશે : આસિ. એન્જિનિયર
ખેડા જિલ્લા પંચાયત આરએન્ડબી પંચાયત ડાકોરના આસિ. એન્જિનિયર જય પટેલે જણાવ્યું હતું કે, ટેન્ડર ૨૦૨૨માં રૂા. ૨.૩૫ કરોડમાં મંજૂર કર્યું હતું. જે ટેન્ડર રદ કરી નવા ટેન્ડરની મંજૂરી માટે સર્કલ વિભાગમાં મોકલી આપ્યું છે. મંજૂરી મળ્યા બાદ કામ શરૂ કરવામાં આવશે.