- રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતા ખેડૂતોમાં રોષ
- કેનાલની બંને બાજુ ઝાડવા ઉગી નીકળતાં પાણીના પ્રવાહમાં બાધા ગાબડા પડવાનો ભય
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાંચ, માળિયા બ્રાંચ અને મોરબી બ્રાંચ કેનાલની સફાઇ, જાળવણી અને રિપેરિંગ કામ માટે દર વર્ષેે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ દર વર્ષે કેનાલનું રિપેરિંગ અને સફાઈ માત્ર સરકારી ચોપડા ઉપર જ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
ધ્રાંગધ્રાથી કુડા તરફ જવાના રસ્તા પર આવેલ નર્મદા કેનાલમાં ઝાડી-ઝાંખરાં ઉગી નીકળ્યા છે અને આ ઝાડવા કેનાલની ઉપર નમી પડેલા છે. જે કેનાલના પાણીના પ્રવાહમાં અવરોધરૂપ થાય છે. આ ઝાડી-ઝાંખરાને લઈને કેનાલની સલામતી માટે બનાવેલ સંરક્ષણ દીવાલ જર્જરિત થઇ છે. જો આ કેનાલોના ઝાડવા દૂર કરવામાં નહીં આવે તો કેનાલોની સંરક્ષણ દીવાલ તૂટી જવાનો સંભવ છે જો કેનાલમાં ગાબડું પડે તો અનેક ખેડૂતોના ખેતરમાં નર્મદાનું પાણી ફરી વળવાની અને કેનાલના નજીકના વિસ્તારોમાં આવેલા ખેતરો બેટમાં ફેરવાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. નર્મદા વિભાગને જર્જરિત કેનાલ અંગે અનેક વખત સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનો અને આગેવાનો દ્વારા રજૂઆત કરવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોની રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવતા નર્મદા વિભાગ સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.


