ગિરગઢડાના મહોબતપુરની સીમમાં નદીમાં ફેંકવામાં આવેલો સિંહનો મૃતદેહ મળી આવ્યો
નદીમાં પાણી ઓછું હોવાથી કોઈ મૃતદેહ ફેંકી ગયાની શંકા : રેડિયો કોલર ધરાવતા સિંહના મોતની તપાસ માટે વન વિભાગની વિવિધ ટીમ દ્વારા તપાસ : પોસ્ટમોર્ટમ બાદ કારણ સ્પષ્ટ થશે
ઉના, : ગિરગઢડા તાલુકાના મહોબતપુર નજીક આવેલી નદીમાંથી આજે એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.નદીમાં પાણી વધુ ન હોવાથી કોઈ અજાણ્યા શખ્સોએ રેડિયોકોલર ધરાવતા સિંહના મૃતદેહને ફેંકી ગયાની શંકા છે.આ અંગેની તપાસ માટે વનવિભાગે અલગ અલગ ટીમ બનાવી છે.પી.એમ.રિપોર્ટ બાદ સિંહના મોતનું કારણ સ્પષ્ટ થશે.હાલ સિંહના મૃતદેહને કોણ ફેંકી ગયું એ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ અંગેની વધુ વિગત મુજબ ગિરગઢડા તાલુકાના મહોબતપુર નજીક આવેલી રાવલ નદી પાસેથી માલધારીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓએ નદીમાં એક સિંહનો મૃતદેહ જોયો હતો.તેઓએ સરપંચને જાણ કરી હતી અને સરપંચે વનવિભાગને જાણ કરતા જસાધાર આર.એફ.ઓ.સહિતનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચ્યો હતો.વનવિભાગે સ્થાનિક લોકોની મદદથી સિંહના મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા સિંહના ગળામાં રેડીયોકોલર હતો.આ નદીમાં પાણી પણ ઓછું હતું.આથી ડૂબવાના કારણે સિંહનું મોત થયું ન હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.મૃતદેહની હાલત પરથી આ સિંહનું મોત અન્ય સ્થળે થયું છે અને તેને છુપાવવા માટે કોઈ અજાણ્યા શખ્સો વાહનમાં મૃતદેહને નદીમાં ફેંકી ગયાની આશંકા છે.હાલ વનવિભાગ દ્વારા સિંહનું ક્યાં સ્થળે મોત થયું અને કોણ નદીમાં ફેંકી ગયું એ માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી છે.