પીપાવાવના કિનારેથી છૂટ્ટી પડી ગયેલી બોટ મહુવાના દરિયાકાંઠે પહોંચી
નિકોલ નજીકના દરિયાકિનારે શંકાસ્પદ બોટ મળ્યાના મેસેજથી તંત્રમાં દોડધામ
ખરાબ વાતાવરણના કારણે દોરડું તૂટી જતાં બોટ આપમેળે વિકટર થઈને મહુવા કિનારે આવી ગઈ
મહુવાના નિકોલના લાઈટ હાઉસ નજીકના દરિયાકાંઠે આજે બપોરે ચાર કલાકના અરસામાં બિનવારસી બોટ મળી આવી હોવાના સોશિયલ મીડિયા મારફતે મેસેજ વહેતા થયાં હતા. બીજી તરફ, આ અંગેની જાણ મહુવા ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા મહુવા ગ્રામ્ય પોલીસે કોસ્ટગાર્ડની મદદથી આ બોટના માલિક અને બોટ ક્યાંથી આવી છે તે દિશામાં તપાસ આરંભી હતી. આ મામલે મહુવા ગ્રામ્ય પોલીસના પીએસઆઈ ઝાલાએ જણાવ્યું હતું કે, પીપાવાવ ખાતે ખાનગી કંપનીના કામ માટે આ બોટ મુંબઈથી ત્રણ મહિના પહેલા પીપાવાવ લાવવામાં આવી હતી. બે દિવસ પૂર્વે ખરાબ વાતાવરણના કારણે દરિયાકિનારે લાંગરેલી આ બોટનું દોરડું તૂટી ગયું હતું. જેના કારણે બોટ દરિયાના વ્હેણમાં વિક્ટર થઈને નિકોલના દરિયાકિનારે પહોંચી હતી. બોટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ટગ મારફત આ બોટને કંપની પરત પીપાવાવ લઈ જશે. તેમ તેમણે વિગતો આપતાં અંતમાં જણાવ્યું હતું.