બાઇક પુલની દીવાલ સાથે અથડાઇને નીચે ખાબક્યું, બે યુવાનોનાં મોત

લાલપુર તાલુકાના બબરજર ગામ પાસે
ત્રીજા યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખેસડાયો
લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના મનાવર જિલ્લાના ગોરાડીયા ગામના વતની અને બાઇકના ચાલક દયારામ અનસિંહ ડાવર (ઉ.વ.૪૦) બાઇક લઈને પોતાની સાથે સાવન રાજુભાઇ વાસ્કેલ (ઉ.વ.૩૫) તથા અમરસિંહ સીતારામ વાસ્કેલ (ઉ.વ.૪૦)ને બેસાડીને બબરજર ગામ તરફથી ગોવાણા તરફ આવતા હતા એ દરમિયાન મોટર સાઇકલ પુલની પાળી સાથે અથડાતા ત્રણે'ય બાઇક સાથે પુલ નીચે પથ્થરવાળી જગ્યામાં પટકાયા હતા. આ અકસ્માતમાં દયારામ ડાવર તથા સાવન રાજુભાઇ વાસ્કેલને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી બંનેના મૃત્યુ નીપજ્યા હતા તથા અમરસિંહ સીતારામ વાસ્કેલને ગંભીર ઇજાઓ થઈ હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા.
તેની સાથે જ મજૂરી કામ કરતા અને તેના કુટુંબી કૈલાશ દયારામભાઈ વાસ્કેલે પોલીસને જાણ કરતાં લાલપુરના પીએસઆઇ એસ.પી. ગોહિલ અને સ્ટાફ બે મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધ્યું છે.









