Gujarat

વાત્રક નદીના કાંઠે સ્થિત 'અજમાવત કોટ' ઐતિહાસિક વિરાસતનું અણમોલ પ્રતીક

By GS TEAM
10 Mar 20262 mins read
વાત્રક નદીના કાંઠે સ્થિત 'અજમાવત કોટ' ઐતિહાસિક વિરાસતનું અણમોલ પ્રતીક

- હિડન જેમ' સમાન પ્રવાસન સ્થળ

- ચૌદમી સદીનું સ્થાપત્ય, મુઘલ કાળનો ઇતિહાસ અને રાજા પ્રતાપસિંહ સોલંકીની વીરતાનો સંગમ

કઠલાલ : ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં વાત્રક નદીના ઊંચા ટેકરા પર સ્થિત 'અજમાવત કોટ' (અઝમગઢ) ગુજરાતની સમૃદ્ધ ઐતિહાસિક વિરાસતનું અણમોલ પ્રતીક છે. મધ્યકાલીન સ્થાપત્યકળા અને કુદરતી સૌંદર્યનો અદભૂત સમન્વય ધરાવતો આ કિલ્લો ઈતિહાસના અનેક ઉતાર-ચઢાવનો સાક્ષી રહ્યો છે. લોકવાયકા મુજબ ચૌદમી સદીમાં ગોહિલ વંશના રાજપૂતો દ્વારા નિમત આ કિલ્લો આજે પણ પોતાની ભવ્યતાના અવશેષો સાચવીને ઊભો છે.

કપડવંજ અને આંતરસુંબાની નજીક વાત્રક નદીના રમણીય કિનારે આવેલો આ કિલ્લો લડાયક દૃષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક રીતે બનાવવામાં આવ્યો હતો. કિલ્લાના પ્રવેશદ્વારની બંને બાજુએ અશ્વ અને હાથી બાંધવા માટે ખાસ અસ્તબલ બનાવવામાં આવ્યા હતા, જેથી યુદ્ધના સમયે સેના તુરંત બહાર નીકળી શકે. ભૂતકાળમાં આ ગામ અત્યંત શિક્ષિત અને કર્મકાંડી બ્રાહ્મણોનું નિવાસસ્થાન હતું, જોકે સમય જતાં મોટાભાગના પરિવારો શહેરી વિસ્તારોમાં સ્થાયી થયા છે. આ કિલ્લાનું નામ મુઘલ કાળ દરમિયાન અહીં પોતાની પકડ મજબૂત કરનાર સુબા આઝમ ખાનના નામ પરથી 'અજમાવત કોટ' અથવા 'અઝમગઢ' પડયું હોવાનું મનાય છે. આ સ્થળ સાથે સ્થાનિક વીરતાની કથાઓ પણ વણાયેલી છે. કલરીગઢના રાજા પ્રતાપસિંહ સોલંકીએ આઝમ ખાનના અત્યાચારો સામે બગાવત કરી હતી. પ્રતાપસિંહ અને આઝમ ખાન વચ્ચેના યુદ્ધની ગાથાઓ આજે પણ લોકગીતોમાં જીવંત છે. પ્રજાના રક્ષણ કાજે પ્રાણની આહુતિ આપનાર વીરોની યાદમાં અહીં આજે પણ પાળિયા જોવા મળે છે.

સ્થાપત્યની દૃષ્ટિએ કિલ્લાની દીવાલો ઈંટો અને પથ્થરોથી કલાત્મક રીતે બનેલી છે. કિલ્લામાં મૂળ ચાર કમાડ હતા, જેમાંથી એક કમાડ હાલ જર્જરિત થઈ તૂટી ગયું છે. કિલ્લાના ઉપરના ભાગમાં એક વિશાળ અને સુંદર શિવલિંગ હજુ પણ પ્રસ્થાપિત છે, જે આ સ્થળની પવિત્રતા અને શ્રદ્ધામાં વધારો કરે છે. વાત્રક નદીના ઊંચા ટેકરા પર હોવાથી અહીંથી આસપાસનો નજારો ખૂબ જ રળિયામણો લાગે છે. વર્તમાન સમયમાં આ સ્થળ પ્રવાસીઓ માટે એક 'હિડન જેમ' સમાન છે. ખાસ કરીને ચોમાસાની –તુમાં જ્યારે વાત્રક નદી બે કાંઠે વહેતી હોય, ત્યારે આ સ્થળની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. પક્ષીઓના કલરવ અને નદીના પ્રવાહ વચ્ચે આ ઐતિહાસિક સ્થળ ઇતિહાસપ્રેમીઓ અને ફોટોગ્રાફીના શોખીનો માટે એક ઉત્તમ પ્રવાસન સ્થળ બની રહ્યું છે.