Get The App

આઝાદ હિન્દ ફૌજમાંથી પ્રેરણા લઈ આરઝી હુકુમતની રચના થઈ હતી

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
આઝાદ હિન્દ ફૌજમાંથી પ્રેરણા લઈ આરઝી હુકુમતની રચના થઈ હતી 1 - image

મુંબઇ, દિલ્હી સુધી જૂનાગઢની આઝાદીની ચર્ચા હતી : ગાંધીજીએ  દિલ્હી ખાતે પ્રાર્થનાસભા દરમ્યાન 'જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહિયે' એમ કહી આરઝી હુકુમતને પરોક્ષ આશીર્વાદ આપ્યા હતા

 જૂનાગઢ, : જૂનાગઢની આઝાદી માટે આરઝી હુકુમતની રચના આઝાદ હિંદ ફૌજમાંથી પ્રેરણા લઈને થઈ હતી. મુંબઈ, દિલ્હી સુધી જૂનાગઢની આઝાદીની ચર્ચા હતી. ગાંધીજીએ દિલ્હી ખાતે પ્રાર્થનાસભામાં 'જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહીયે' તેમ કહી આરઝી હુકુમતને પરોક્ષ આશીર્વાદ આપ્યા હતા.

આરઝી હુકુમતની રચનામાં સરદાર પટેલના છુપા આશિર્વાદ હતા. જૂનાગઢની પ્રજા મુંઝવણમાં હતી. જૂનાગઢની સોરઠ સેવા સમિતિ અને મુંબઈના જૂનાગઢ પ્રજા મંડળને પણ આ પ્રશ્ને કોઈ સફળતા મળી ન હતી. 25 ઓગસ્ટ 1947ના જેઠાલાલ જોશી, રતુભાઈ અદાણી અને રસિકભાઈ પરીખેે સંરક્ષણ સમિતી રચી હતી અને જૂનાગઢ આથક બહિષ્કારનું એલાન આપ્યું હતું. 15 સપ્ટે. 1947ના મુંબઈમાં શામળદાસ ગાંધી, ચીમનલાલ શાહ, સોપાન, કામેશ્વર વ્યાસ અને મુગુટલાલ પારેખની જૂનાગઢ સમિતી રચાઈ હતી અને  વિચારણા બાદ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજમાંથી પ્રેરણા લઈ સરદાર વલ્લભભાઈ પટેલના છુપા આશિર્વાદ મેળવી 25 સપ્ટે. 1947ના મુંબઈના આરઝી હુકુમતની સ્થાપના થઈ હતી. માધવબાગના હજારોની મેદનીમાં ક.મા. મુનશીએ ઘડેલું જાહેરનામું બહાર પાડી આરઝી હુકુમતની સ્થાપનાની જાહેરાત કરાઈ હતી. તેમાં જૂનાગઢ રાજ્યના જ લોકોને લેવાયા હતા. વડા તરીકે ગાંધીજીના ભત્રીજા અને કુતિયાણાના બારખલીદાર શામળદાસ ગાંધીને નિમવામાં આવ્યા હતાં.

આરઝી હુકુમતની સ્થાપનાને પરોક્ષ આર્શીવાદ હોય તેમ તા. 24-9-1947ના 'જૂનાગઢમેં પાકિસ્તાન કીસ તરહ બન શકતા હૈ. મેરી સમઝને મે નહીં આતા, જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહીએ' આવું ગાંધીજીએ પ્રાર્થના સભામાં કહ્યું હતું. આમ, આરઝી હુકુમતની સ્થાપના માત્ર જૂનાગઢના જ નહીં પરંતુ ભારતના દેશી રાજ્યોના ઇતિહાસનો યાદગાર અને ઐતિહાસિક બનાવ હતો.