Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે રહેતા અને શિલ્પકળાને ઉજાગર કરતા કલાકાર દ્વારા બનાવવામાં આવેલ વિવિધ મૂર્તિઓને અયોધ્યા ખાતે રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવતા શિલ્પ કલાકાર દ્વારા સમગ્ર ઝાલાવાડનું દેશ-વિદેશમાં રોશન કર્યું છે જે બદલ કલાકાર અને તેમના પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા ખાતે વર્ષોથી અનેક પરિવારો શિલ્પ કળા સાથે સંકળાયેલા છે અને અનેક પેઢીઓથી મૂર્તિઓ સહિતની કલાકૃતી બનાવી ઝાલાવાડનું નામ રોશન કર્યું છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે રહેતા અને શિલ્પ કારીગર એવા હિતેષભાઈ સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવેલ દેવ-દેવતાઓની મૂર્તિઓની અયોધ્યા ખાતે રામ મંદિરના અલગ-અલગ ભાગોમાં સ્થાપિત કરવામાં આવી છે જેમાં મંદિરના સ્તંભો, ઘુમ્મટ, પ્રદક્ષિણા માર્ગ, શિખરના ગોખ, રામ દરબારના પ્રવેશ દ્વાર સહિતના સ્થળો પર ધ્રાંગધ્રાના શિલ્પ કારીગરની કલાકૃતિઓ જોવા મળી રહી છે.
યુપીના અયોધ્યા ખાતે આવેલ રામ મંદિરમાં અત્યાર સુધી 1800થી વધુ મૂર્તિઓ ધ્રાંગધ્રાના કારીગર દ્વારા બનાવવામાં આવી છે જેમાં રામ મંદિર ખાતે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ભગવાન રામની સાથે માતા સીતા અને હનુમાનજીની પણ મૂર્તિઓ સ્થાપીત કરવામાં આવી હતી. હિતેષભાઈ સોમપુરા છેલ્લા ઘણા વર્ષોથી પથ્થરમાંથી મૂર્તિઓ બનાવીને રાજ્ય સહિત બહારના રાજ્યોમાં પણ મંદિર સહિત મૂર્તિઓ બનાવવાનું કામ કરી રહ્યાં છે જેમાં અંદાજે 1800થી વધુ મૂર્તિઓનું કામ મળ્યું હતું અને 7 થી 8 હજાર આસપાસની મૂર્તિઓ રામ મંદિરમાં બનેલી છે. આ મૂર્તિ બનાવવામાં અંદાજે બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને 20થી વધુ કારીગરોની ટીમ તેમાં જોડાયા હતા.


