ચાર્જશીટને પડકારતી વસંત ગજેરાની અરજી સુપ્રીમ કોર્ટે પણ ડીસમીસ કરી
વેસુની જમીન બોગસ દસ્તાવેજથી હડપવાના ગુનામાં
અગાઉ ફરિયાદ રદ કરવા કરેલી ક્વોશીંગ પીટીશન વીથ ડ્રો કર્યાની હકીકત છુપાવીને ચાર્જશીટ રદ કરવાની માંગ હાઈકોર્ટે નકારી કાઢી હતી
સુરત,તા.4 જુન 2020 બુધવાર
સુરતની
વેસુની જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના કારસામાં આરોપી વસંત ગજેરાએ પોતાની
વિરુધ્ધ ચાર્જશીટ રદ કરવાની માંગને ખર્ચ સાથે નકારતા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની કાયદેસરતાને
પડકારતી અપીલ સુપ્રીમ કોર્ટમાં કરી હતી તે એડમીશનના સ્ટેજ પર જ ડીસમીસ કરાઇ છે.
સુરતના વેસુ ગામના જુના રેવન્યુ સર્વે નં.482 તથા નવા સર્વે નં.280માં આવેલી ફરિયાદી વજુભાઈ માલાણીની કિંમતી જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના કારસા અંગે ઉધોગપતિ વસંત ગજેરા વિરુધ્ધ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ગુનાઈત ફોર્જરી અંગેના ગંભીર ગુના કરવામાં આવ્યા હોઈ મદદનીશ પોલીસ કમિશ્નર એફ ડીવીઝને ફરિયાદીની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપી ફરિયાદ દાખલ કરાવ્યા બાદ ચાર્જશીટ રજુ કર્યું હતુ.
આરોપી વસંત ગજેરા વિરુધ્ધ સીઆરપીસી-70નું વોરંટ ઉપરાંત રેડ કોર્નર નોટીસ પણ ઈસ્યુ થઇ હતી. વસંત ગજેરાએ અગાઉ પોતાની વિરુધ્ધની ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશીંગ પીટીશન કરી હતી. જો કે હાઈકોર્ટ તે અરજીના કારણો સાથે કન્વીન્સ ન થતાં અરજી વીથ ડ્રો કરાઇ હતી. ત્યારબાદ આ હકીકતને છુપાવીને પોતાની વિરુધ્ધ થયેલી ચાર્જશીટને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. અગાઉ આરોપી વસંત ગજેરાને છાવરતો તત્કાલીન એસીપી હરેશ દુધાતના રિપોર્ટને સુરત સીજીએમ કોર્ટે રદ કરતા તે અંગે પણ હાઇકોર્ટમાં પીટીશન કરાઇ હતી. સરકારપક્ષે તથા મૂળ ફરિયાદી તરફે ડૉ.શૈલેશ પટેલની રજુઆતોને આ બંને પીટીશન હાઇકોર્ટે રદ કરી રૃા.25 હજાર દંડ ફટકાર્યો હતો.
જેથી ગુજરાત હાઈકોર્ટના ઉપરોક્ત ચુકાદા સામે વસંત ગજેરાએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી હતી. જો કે સુપ્રિમ કોર્ટે પણ ગુજરાત હાઈકોર્ટના હુકમને કાયદેસરનો ઠેરવી હસ્તક્ષેપ પાત્ર ન હોઈ પીટીશનને એડમિશનના સ્ટેજ પર જ ડીસમીસ કરતો હુકમ કર્યો છે. તેથી હવે આરોપી પાસે ન્યાયિક કાર્યવાહીનો સામનો કરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી.