Gujarat

અમદાવાદ મ્યુનિ.ની બોર્ડ બેઠકમાં આઠ ફલાયઓવર,અંડરપાસની ડિઝાઈનમાં ફેરફાર કરાયાનો આક્ષેપ

By GS TEAM
21 Jul 20253 mins read
અમદાવાદ મ્યુનિ.ની બોર્ડ બેઠકમાં આઠ ફલાયઓવર,અંડરપાસની ડિઝાઈનમાં ફેરફાર કરાયાનો આક્ષેપ

અમદાવાદ,સોમવાર,21 જુલાઈ,2025

અમદાવાદમાં દસ વર્ષમાં બનાવાયેલા આઠ ફલાયઓવર,અંડરપાસની ડિઝાઈનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટીયુટની ભલામણોને બાજુ ઉપર મુકીને ડિઝાઈનમાં ફેરફાર કર્યો હોવાનો આક્ષેપ  બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ કર્યો હતો. પાંજરાપોળ ફલાય ઓવરબ્રિજ નહેરુનગરથી ગુજરાત યુનિવર્સિટી તરફ બનાવવા ભલામણ કરાઈ હતી.તેને પણ ધ્યાનમાં લેવામાં આવી નથી.

શહેરના વિવિધ વિસ્તારમાં બ્રિજ, ફલાયઓવર કે અંડરપાસ બનાવવા અગાઉ સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટીયુટની ભલામણને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. તેમના તરફથી ભલામણ કરાયા પછી પણ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટના અધિકારીઓએ તેમની મનમાની કરી ડિઝાઈનમાં ફેરફાર કરી દેતા કોર્પોરેશનને આર્થિક નુકસાન થવાની સાથે જે તે બ્રિજ કે અંડરપાસની કામગીરી વિલંબમાં પડી હોવાનો બેઠકમાં વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહયુ, આ બાબતમાં બ્રિજ પ્રોજેકટના અધિકારીઓની જવાબદારી નકકી કરીને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ.

બ્રિજ,ફલાયઓવર સાથે સંકળાયેલા વિવાદ કયા?

૧.ઈન્કમટેકસ ફલાય ઓવર ફોરલેનના બદલે ફાઈવલેન બનાવાયો

-સી.એસ.આર.આઈ.દ્વારા ફોરલેન બ્રિજ સુચવાયો હતો.કોર્પોરેશને ૧૬.૫૦ મીટર લંબાઈ અને ૨૦.૫૦ મીટર પહોળાઈનો ફાઈવલેન બ્રિજ બનાવી દીધો.

૨.રુપિયા ૫૯.૫૯ કરોડના અંદાજ સામે રુપિયા ૬૫.૯૧ કરોડ ખર્ચ થયો.

૩.બ્રિજ નીચેના ભાગમાં ગાંધીજીની પ્રતિમા હટાવવી ના પડે એ માટે સ્પેશિયલ ડિઝાઈન કરતા પ્રતિમાની ઉપરના સ્ટીલ સ્ટ્રકચરના કારણે  રુપિયા દસ કરોડ ખર્ચ વધી ગયો.

૨.રાણીપ ફલાયઓવર રેલવેને રુપિયા ૫૦ કરોડ આપવા પડયા

૧.રાણીપ જી.એસ.ટી.ફાટક ઉપર ફલાયઓવર બનાવવા એક વર્ષ સુધી રેલવેની મંજુરી મળી નહતી.બે વર્ષના બદલે પાંચ વર્ષમાં કામગીરી પુરી થઈ હતી.ડિઝાઈન મુજબ ફલાયઓવરનો એક તરફનો છેડો રેલવેની પાંચ હજાર ચોરસમીટર જમીનમાં ઉતરતો હતો.રેલવેએ બે વર્ષ સુધી જમીન આપી નહતી.જમીનના બદલમાં જમીન આપવાનુ નકકી થતા રેલવેને રુપિયા પચાસ કરોડ આપવા પડયા હતા.

૩.અજીત મિલ ફલાયઓવર પાણીની ટ્રન્ક લાઈનના કારણે ડિઝાઈન બદલાઈ

રૃપિયા ૪૧ કરોડનો ફલાયઓવરનુ ટેન્ડર રુપિયા ૫૦.૩૦ કરોડનુ મંજુર કરાયુ હતુ.ડિસેમ્બર-૨૦૨૧માં લોકાર્પણ કરાયા પછી કોર્પોરેશનના અધિકારીઓને ખબર પડી કે, નીચેથી પાણીની ટ્રન્ક મેઈન લાઈન પસાર થાય છે.આ કારણથી કામગીરી બંધ કરી ડિઝાઈનમાં ફેરફાર કરાયો હતો.

૪.પલ્લવ  જંકશન ઉપર અંડરપાસના બદલે ફલાય ઓવર બનાવાયો

રૃપિયા ૬૪ કરોડનો અંદાજ મુકાયો હતો.જોકે ૩૪.૫૦ ટકા વધુ ભાવથી રુપિયા ૧૦૪.૧૬ કરોડનુ કામ અજય ઈન્ફ્રાકોનને આપવામાં આવ્યુ હતુ.વર્ષ-૨૦૧૭માં ફલાયઓવર બનાવવાનુ નકકી થયુ હતુ.જે પછી હાઈટેન્શન લાઈનને અંડરગ્રાઉન્ડ કરવા અંદાજે રુપિયા ૧૮ કરોડનો ખર્ચ કરાયો હતો.પલ્લવ જંકશન ઉપર અંડરપાસ બનાવવાની ભલામણ કરાઈ હતી.

૫.પાંજરાપોળ ફલાયઓવરની દિશા બદલી નંખાઈ

નહેરૃનગરથી ગુજરાત યુનિવર્સિટી તરફ સી.આર.આર.આઈ, દ્વારા વિજય ચાર રસ્તાથી ગુજરાત યુનિવર્સિટી થઈ નહેરૃનગર તરફ જતા ૧૨૦ ફુટ પહોળાઈના રોડ ઉપર ટુ લેનના બે એમ ફોરલેન સ્પલીટ ફલાયઓવર બનાવવા સુચન કરાયુ હતુ.જે પછી આઈ.આઈ.ટી.રામ પાસે નવો રીપોર્ટ બનવી ફલાયઓવરની દિશા બદલી નંખાઈ છે.

૬.જલારામ અંડરપાસ લોકાર્પણના કલાકોમાં ફરી બંધ કરાયો હતો

વર્ષ-૨૦૨૪માં જલારામ અંડરપાસનુ ઉતાવળે મુખ્યમંત્રી પાસે લોકાર્પણ કરાયાના ગણતરીના કલાકોમાં ફરી બંધ કરવો પડયો હતો.અંડરપાસના એક તરફના રોડ ઉપર મોબાઈલ ટાવર હટાવવાની કામગીરી બાકી હતી.રૃપિયા ૪૫ કરોડમાં બનાવવાનો અંડરપાસ બનાવવા રુપિયા ૮૩ કરોડનો ખર્ચ કરાયો હતો.

૭.સતાધાર ફલાયઓવરની ડી.એલ.પી.ત્રણ વર્ષની કરી દેવાઈ

વર્ષ-૨૦૨૩માં સતાધાર જંકશન ઉપર રુપિયા ૮૧.૪૯ કરોડના ખર્ચે બનાવવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી આપી હતી.હાટકેશ્વર બ્રિજમા નબળી કોંક્રીટના વિવાદ પછી ડીફેકટ લાયાબીલીટી પિરીયડ પાંચ વર્ષનો કરી દેવાતા કોન્ટ્રાકટરે ટેન્ડર રદ કરી દેવા રજુઆત કરતા એક જ મહીનામાં ડીફેકટ લાયાબીલીટી સમય પાંચ વર્ષના બદલે ફરીથી ત્રણ વર્ષનો કરાયો હતો.

૮.હયાત હાટકેશ્વર બ્રિજ તોડયા પછી નવો બનાવવા રજુઆત

રુપિયા ૪૦ કરોડના ખર્ચે અજય ઈન્ફ્રાકોન દ્વારા વર્ષ-૨૦૧૭માં બનાવેલ હયાત બ્રિજ  છ મહીનામાં તોડી પાડવા નિર્ણય કરાયો છે. વિપક્ષ તરફથી આ સ્થળે નવો બ્રિજ બનાવવા બોર્ડ બેઠકમાં રજુઆત કરાઈ હતી.