સુરત પાલિકામાં રોડ મટીરીયલ સપ્લાય કરવાની કામગીરીમાં નિષ્ફળ જનાર એજન્સીને પાંચ વર્ષ માટે ડી બાર્ડ કરાશે
Surat Corporation : સુરત પાલિકા વિસ્તારમાં રોડ મટીરીયલ્સ માટે ટેન્ડર ભર્યા બાદ લોએસ્ટ આવનારી એજન્સીએ ટેન્ડરમાં ભરેલા ભાવે મટીરીયલ સપ્લાય કરવા માટે અસંમતિ દર્શાવતા પાલિકાએ એજન્સીને પાંચ વર્ષ માટે ડી બાર્ડ કરવા માટે કવાયત હાથ ધરી છે.
સુરત શહેરમાં રોડ બનાવવા માટેનું મટીરીયલ્સ માટે પાલિકા ટેન્ડર બહાર પાડે છે. પાલિકાએ ઉધના ઝોન વિસ્તારમાં વિવિધ પ્રકારના મટીરીયલ્સ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. આ ટેન્ડર બહાર પડ્યા બાદ ચાર ઈજારદાર આવ્યા અને સૌથી લોએસ્ટ ભાવ માટે ધનસુખ ભગત આવ્યા હતા અને પાલિકાએ પ્રાઈઝ બીડ ખોલી ઈજારદારને રુબરુ બોલાવ્યા હતા.
પાલિકાએ ઉધના ઝોન માટે જે રોડ મટીરીયલ્સ ડિમાન્ડ કરી હતી તેમાં 1.22 કરોડનું ટેન્ડર ધનસુખ ભગતે ભર્યું હતું. ત્યારબાદ પાલિકાએ ભાવ રિવિઝન માટે ઈજારદારને બોલાવ્યા હતા. પાલિકા સમક્ષ હાજર થયેલા ઇજારદારે પાલિકા તંત્રને જણાવ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયા થઈ તેમાં અમે લોએસ્ટ આવ્યા છે તે વાત સાછી છે. પરંતુ ટેન્ડર ભર્યા બાદ રોયલ્ટી અને મટીરીયલ્સના ભાવમાં ઘણો વધારો થયો છે તેથી અમને ટેન્ડરમાં ભરેલા ભાવે કામ કરતા આર્થિક નુકસાન થાય તેમ છે. આવી સ્થિતિમાં ટેન્ડર ભરતી વખતે અમે જે ભાવ આપ્યા હતા તે ભાવથી મટીરીયલ સપ્લાય કરવું અમારા માટે શક્ય નથી. આ જવાબ બાદ પાલિકાએ તેમની સામે પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે. પાલિકાએ ઈજારદારની ઈ.એમ.ડી. જપ્ત કરીને પાંચ વર્ષ માટે પાલિકાની કામગીરીમાં ગેરલાયક (ડી બાર્ડ) કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે તેના પર નિર્ણય કરાશે.