- ચોટીલા હાવઇ પર અધિકારીઓનાં નાક નીચે જ ખડકાયેલાં દબાણ અંતે તોડી પડાયા
- મોમાઈ હોટલ, જય દ્વારકાધીશ હોટલ અને તુલસી હોટલ, બે દૂકાન સહિતના બાંધકામો તોડી રૂ. 19.74 કરોડની 7 એકરથી વધુ સરકારી જમીન ખુલ્લી કરાઇ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ હોટલોમાં ગેરકાયદેસર તેમજ અસામાજીક પ્રવૃતિઓ વધી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઈને ચોટીલા ડેપ્યુટી કલેકટર અને તેમની ટીમ દ્વારા ચોટીલા નેશનલ હાઈવે પર અલગ અલગ જગ્યાએ સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલ ૦૩ હોટલો સહિતનું બાંધકામ જેસીબી વડે તોડી પાડવામાં આવ્યુ હતું અને રૂ.૧૯.૭૪ કરોડની અંદાજે ૦૭ એકરથી વધુ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામના સરકારી જમીન પર બનાવેલ મોમાઈ હોટલ કોઈપણ જાતની મંજૂરી વગર બનાવવામાં આવી હોવાથી તા.૩૦ ડિસેમ્બર સુધીમાં દબાણ હટાવવા સૂચનાઓ આપી હતી પરંતુ તેમ છતાંય હોટલના સંચાલક દ્વારા દબાણ દૂર નહી કરતા જેસીબીની મદદથી મોમાઈ હોટલ, ૦૮ દુકાનો (ચા, પાન મસાલા, પંચર તથા કરિયાણા વગેરે...) (૩) હોટલના સ્ટાફ કવાર્ટસ (૪) ઠાકર મંદિર(દિવેલિયુ.) સહિતના દબાણો દૂર કરી અંદાજે જમીનમાંથી દુર કરી રૂ.૭.૨૦ કરોડની સરકારી જમીન ખુલ્લી કરી હતી.
આ ઉપરાંત ચાણપા ગામ પાસે આવેલી જય દ્વારકાધીશ હોટલ સરકારી પડતર જમીન પર બનાવવામાં આવી હતી તે પતરાના શેડ વાળી હોટલ અને ૦૧ ગેરેજ કેબિન સહિતના દબાણ પર પણ જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતુ અને અંદાજે રૂ.૪.૦૪ કરોડની સરકારી જમીન ખુલ્લી કરી હતી. તેમજ નાની મોલડી પાસે સરકારી જમીનમાં કોઈપણ જાતની મંજુરી વગર ધમધમતી તુલસી હોટલ, ૦૨ દુકાનો (ચા, પાન મસાલા), ૦૨ હોટલ સ્ટાફના ક્વાર્ટર, ટોયલેટ બાથરૂમ બ્લોક સહિતનું ગેરકાયદેસર બાંધકામ જેસીબી વડે તોડી પાડવામાં આવ્યું હતું અને અંદાજે રૂ.૮.૪૯ કરોડની સરકારી જમીન ખુલ્લી કરી હતી. જયારે ત્રણેય હોટલોના માલિકો દ્વારા ગેરકાયદેસર પાકા બાંધકામ ઘણા સમયથી કર્યા હોવાથી તે અંગેની તપાસ કરી, વાષક બિનખેતીના જંત્રીના ૧%ના દરે વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સરકારી જમીન પર હોટલ બનાવનાર માલિકો
(૧) જેન્તીભાઇ બાબુભાઈ બાવળિયા રહે.રાજકોટ (મોમાઈ હોટલ, મોટી મોલડી)
(૨) હામાભાઇ સાદુલભાઈ રબારી રહે.ચાણપા તા.ચોટીલા (જય દ્વારકાધીશ હોટલ, ચાણપા)
(૩) પ્રવીણભાઈ છનાભાઇ સભાયા રહે.રાજકોટ (તુલસી હોટલ, નાની મોલડી)


