ટયુશનિયા શિક્ષકો પર પગલા લેવામાં તંત્ર ફરિયાદની રાહ જુએ છે

- અમદાવાદ ગ્રામ્યની ઘટનાના પગલે વ્યાપક ચર્ચા
- એજ્યુકેશન ઈન્સ્પેક્ટર, બી.આર.સી., સી.આર.સી.ની નિષ્પક્ષ તપાસ થાય તો ઘણા શિક્ષકો ઉઘાડા પડી શકે
સરકારી હોય, ગ્રાન્ટેડ હોય કે ખાનગી શાળાનાં શિક્ષકોને ખાનગી ટયુશન કરવા પર પ્રતિબંધ હોવા છતાં ઘણી શાળાનાં શિક્ષકો બહાર ટયુશન કરાવી રહ્યાં છે. જેનાથી સ્કુલો પણ પરિચિત છે. તેમ છતાં તેરી ભી ચુપ અને મેરી ભી ચુપ ચાલ્યા કરે છે. તાજેતરમાં અમદાવાદ ગ્રામ્યમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસો દ્વારા નામજોગ ફરિયાદના પગલે રાજીનામા લેવાયા હતા. જ્યારે ભાવનગર જિલ્લામાં પણ ઘણા નોકરીયાત શિક્ષકો ટયુશન કલાસ ચલાવી રહ્યા છે અને કેટલીક શાળા ડે-કેરમાં પણ કોચીંગની કામગીરી કરી રહ્યાં છે. જે અંગે યોગ્ય તપાસ થાય તો આ ગેરરીતિ બહાર આવી શકે છે. જે સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીએ હજુ સુધી કોઈ ફરિયાદ આવી ન હોવાનું અને આગામી દિવસોમાં આ પ્રકારની ગેરરીતી ઝડપાશે તો વિનિમયની જોગવાઈ મુજબ કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતું. જોકે બીઆરસી, સીઆરસી, એસવીએસ કક્ષાએ નિરીક્ષકો પણ કાર્યરત છે ત્યારે ફરિયાદની રાહ જોવી તે પણ કેટલું યોગ્ય.









