બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દુષણ દુર કરવા માટે તંત્ર લાચાર
સુરત પાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં વાહન ચાલકો શોર્ટકટ અપનાવતા હોવાથી બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો દોડાવી રહ્યા છે. પાલિકા અને પોલીસ કોઈ ખાસ કામગીરી કરતી ન હોવાથી મોટા અકસ્માત થવાની ભીતિ રહેલી છે. હાલમાં ફરી એક વાર જહાંગીરપુરા બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો જોવા મળી રહ્યાં છે. આ સમસ્યા કાયમી હોવાથી ક્યારેક કોઈ જીવ ગુમાવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો નું દુષણ રોકવા માટે પાલિકાએ ચાર કરોડ કરતાં વધુના ખર્ચે સ્વીંગ ગેટ નો પ્રોજેક્ટ નિષ્ફળ જતાં હવે કેમેરા નો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે પરંતુ બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહન દોડાવતા ચાલકોને કોઈ ફેર પડતો નથી. સુરતના ઉધના દરવાજા- પાંડેસરા સાથે ડભોલી જહાંગીરપુરા રુટ પર પણ કાયમી ખાનગી વાહનો નું દુષણ જોવા મળી રહ્યું છે.
સુરતના જહાંગીરપુરા કોમ્યુનીટી હોલ બસ સ્ટેન્ડ અને ડભોલી ગામ રુટ માં કાયમી ધોરણે ખાનગી વાહનો બેફામ દોડે છે. આ સમસ્યા કાયમી હોવા છતાં પાલિકા કે પોલીસ કોઈ આકરી કામગીરી કરતી નથી જેના કારણે દિવસેને દિવસે લોકો આ રૂટમાં વાહનો જોખમી રીતે દોડાવી રહ્યા છે. જહાંગીરપુરા ડભોલી બ્રિજ થી વાહન ચાલકો ઉતરે છે ત્યારે જહાંગીરપુરા વિસ્તાર તરફ જવા માટે મોરાભાગળ નજીકનું સર્કલ ફરતા નથી અને બીઆરટીએસ રુટમાંથી જ વાહનો ટર્ન લે છે તેથી અહીં ખાનગી વાહનો મોટી સંખ્યામાં જોવા મળે છે. અનેક વખત બે બસ વચ્ચે વાહન ફસાયેલા જોવા મળે છે ક્યારેક આવી રીતે દોડતા વાહનોનો અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા વધુ છે. આવી ગંભીર સ્થિતિ હોવા છતાં પણ પાલિકા કે પોલીસ કોઈ કામગીરી કરતી ન હોવાથી કોઈને જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.