શંકાસ્પદ ગતિવિધિ કરતા મૌલવીની અટકાયત બાદની કાર્યવાહી
રહેણાક હેતુ માટે ફાળવેલા પ્લોટમાં શરતભંગ કરીને મદરેસા શાળા ચાલતી હોવાનું ખુલતા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન
વિગત પ્રમાણે, કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતભરમાં ગેરકાયદે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓને પકડવા માટે ગત તા.૧લીએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધારી પોલીસ દ્વારા ગત તા.૧લીએ હિમખીમડીપરા વિસ્તારમાં આવેલા મદરેસા એ દિનેમહમ્મદીમાં રહેતા મૂળ અમદાવાદના જુહાપુરા વિસ્તારના મૌલવી મહોમંદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની પણ શંકાના આધારે પુછતાછ કરવામાં આવતા મોબાઈલ ફોનમાંથી કેટલાક શંકાસ્પદ મીડિયા ગૃપ મળી આવ્યા હતા. જેથી અમરેલી એસઓજી ટીમ દ્વારા અમદાવાદ લઈ જઈને ગુજરાત એટીએસ ટીમને સોંપી દેવામાં આવ્યો હતો.
બીજી તરફ અહીંના મદરેસા એ દિનેમહમ્મદીની કાયદેસરતાની પણ રેવન્યુ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ખુલ્યું કે, હિમખીમડીપરા ખાતે આવેલો પ્લોટ નંબર ૬૬, વર્ષ ૧૯૯૦માં ભીખુભાઈ અમીભાઈ મોગલને રહેણાંક હેતુ અર્થે ફાળવવામાં આવ્યો હતો, જે પ્લોટ ભીખુભાઈએ મદ્રેસાને દાનમાં આપ્યો હતો. હાલમાં તે મિલ્કતનો ઉપયોગ રહેણાંક હેતુ માટે થતો નહોતો અને ત્યાં મદરેસા બનાવી નાખવામાં આવી હતી. જેથી શરત ભંગ થતો હોવાનું જણાયું હતું. પરિણામે વિવાદિત પ્લોટ સરકાર હસ્તક લેવા અને રાજ્ય કે કેન્દ્ર સરકારના પ્લોટ વિહોણા લાભાર્થીને ફાળવવા માટે અનામત રાખવા લેન્ડ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.
આમ, ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં હાલ મદ્રાસા એ દિનેમહમ્મદીનું મકાન બનેલું હતું, જે ગેરકાયદે બાંધકામ હોવાનું ખુલવાથી આજે ધારી પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની ટીમ દ્વારા બુલડોઝર સાથે પહોંચી જઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બાદમાં જમીન ખુલ્લી કરીને સરકાર હસ્તક લઈ લેવામાં આવી હતી.


