Get The App

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ને ૨૦ વર્ષની સખ્ત કેદ

ભોગ બનનાર સગીરાને ૧ લાખનું વળતર ચૂકવવાનો પણ અદાલતે આદેશ કર્યો

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ને ૨૦ વર્ષની સખ્ત કેદ 1 - image

વડોદરા : સગીર પીડિતાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને કસુરદાર ઠેરવી અદાલતે પોક્સો સહિતની કલમ હેઠળ આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ અને રૃા.૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી વિરુદ્ધના પુરાવા શંકા રહિત સાબિત થયા છે અને સમાજમાં દાખલો બેસે તે હેતુથી મહત્તમ સજા કરવી અનિવાર્ય છે.

કેસની વિગત એવી છે કે, તા.૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ભોગ બનનાર સગીરા તેના ઘરેથી અચાનક ગુમ થઈ હતી. સગીરાના પિતાએ આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પાડોશમાં જ રહેતો આરોપી કરણ કમલેશ રાઉત તેમની દીકરીને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી સગીરાને મહારાષ્ટ્ર લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ પી.સી. પટેલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનારની ઉંમર બનાવ સમયે માત્ર ૧૬ વર્ષની હતી, જે બાબત શાળાના સટફિકેટ અને જન્મના દાખલાથી સ્પષ્ટ સાબિત થાય છે. પ્રોસીક્યુશને કુલ ૧૨ સાક્ષીઓ અને અનેક દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા, જેમાં મેડિકલ રિપોર્ટ અને એફ.એસ.એલ.ના પુરાવા મહત્વના સાબિત થયા હતા. જ્યારે બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો તેમજ પુરાવાને ધ્યાનમાં રાખી આરોપી કરમ રાઉતને દુષ્કર્મના ગુનામાં કસુરદાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૃ. ૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.ન્યાયાધીશે  સગીરા પર થયેલા શારીરિક હુમલા અને માનસિક આઘાતની ભરપાઈ કોઈ રકમથી થઈ શકે તેમ નથી, તેવી નોંધ કરીને સગીરાના પુનઃવસન માટે એક લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.