પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપી રાંધેજાથી પકડાયો

પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા
રાજસ્થાનના ઉદેપુરના આરોપીને પકડીને એલસીબીની ટીમે પેથાપુર પોલીસના હવાલે કર્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં હાલ ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા પેથાપુર પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીને રાંધેજા પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે અને પેથાપુર પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાતા રહે છે પરંતુ ઘણા ગુનાઓમાં આરોપીઓ વર્ષો સુધી પકડાતા નથી અને તેના કારણે પોલીસ ચોપડે આરોપીઓ વોન્ટેડ જ રહે છે. આ સ્થિતિમાં ગાંધીનગર એલસીબી દ્વારા હાલ ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ સ્ક્વોડ તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આવા આરોપીઓની યાદી તૈયાર કરીને તેના રહેઠાણના સ્થળોએ પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, પેથાપુર પોલીસ મથકમાં પાંચ વર્ષ અગાઉ નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપી રાજસ્થાનના ઉદેપુરનો સુભાષ શાંતિલાલ સોની હાલ ગાંધીનગર નજીક રાંધેજા ચાર રસ્તા પાસે હાજર છે. જે બાતમીના પગલે પોલીસની ટીમ અહીં પહોંચી હતી અને આ આરોપીને ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરીને પેથાપુર પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે. નોંધવું રહેશે કે આ ડ્રાઈવ દરમિયાન છેલ્લા ત્રણ મહિનામાં અત્યાર સુધી ૧૭ થી વધુ ફરાર આરોપીઓ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે.








