Gujarat

જ્વેલરી શોપમાંથી ત્રણ મંગળસૂત્ર લઇને ભાગેલા આરોપીનો પીછો કરીને ઝડપી પાડયો

By GS TEAM
29 Jun 20252 mins read
જ્વેલરી શોપમાંથી ત્રણ મંગળસૂત્ર લઇને ભાગેલા આરોપીનો પીછો કરીને ઝડપી પાડયો

વડોદરા,મકરંદ દેસાઇ રોડ પર આવેલી જ્વેલરી શોપમાંથી મંગળસૂત્ર ચોરીને ભાગતા આરોપીનો જ્વેલરી શોપના મેનેજરે પીછો કરીને ઝડપી પાડયો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીને મેથીપાક ચખાડયો હતો. ગોત્રી  પોલીસે આ અંગે  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મકરંદ દેસાઇ રોડ પર અક્ષર ડેરીની બાજુમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાનમાં મેનેજર તરીકે નોકરી કરતા રતનલાલ ઉદયલાલ ગુર્જરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  મારા શેઠ રમેશચંદ્ર મોહનલાલ ગુર્જર  ગઇકાલે  વતન રાજસ્થાન ગયા હતા. દુકાન હું જ સંભાળુ છું. ગઇકાલે રાતે સવા આઠ વાગ્યે એક ગ્રાહક દુકાન પર આવ્યો હતો. તેણે કહ્યું કે, મારે પત્નીને મંગળસૂત્ર ગિફ્ટમાં આપવું છે. જેથી, મેં તેને મંગળસૂત્ર બતાવ્યું હતું. તે મંગળસૂત્ર તેને પસંદ નહીં પડતા બીજા બે મંગળસૂત્ર મેં બતાવ્યા હતા. ત્યારબાદ ત્રણેય મંગળસૂત્ર મેં કાઉન્ટ પર મૂક્યા હતા. જેના ફોટા તેણે મોબાઇલમાં  પાડીને પત્નીને કોલ કર્યો હતો.ત્યારબાદ તેણે બુટ્ટીનું કહેતા મેં તેને બુટ્ટી બતાવી હતી. બુટ્ટી પસંદ આવતા હું વજન કાંટા પર વજન કરવા ગયો ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલો આરોપી કાઉન્ટર પરથી ત્રણેય મંગળસૂત્ર ૨૯ ગ્રામ વજન કિંમત રૃપિયા ૨.૬૦ લાખના લઇને ભાગ્યો હતો. હું પણ તેની પાછળ દોડયો હતો. બહાર નીકળીને તે મોેપેડ ચાલુ કરીને ભાગ્યો હતો. મેં પણ  તેનો પીછો કર્યો હતો. થોડે દૂર  જઇને તે થાંભલા સાથે અથડાતા  પડી ગયો હતો. મોપેડ છોડીને તે દોડયો હતો. નજીકમાં આવેલી શિવ શક્તિ સોસાયટીની કોમન પ્લોટની દીવાલ કૂદીને તે એમ.એલ. ફાર્મમાં સંતાઇ ગયો હતો. દરમિયાન અન્ય લોકો પણ ભેગા થઇ ગયા હતા. અમે બધાએ ફાર્મમાં તપાસ કરીને તેને શોધી કાઢ્યો હતો. તેણે પોતાનું નામ મનોજ જયપ્રકાશ મલ્હાર ( રહે. નાના ફોફડિયા, તા.  કરજણ, મૂળ રહે. રામપુરા, અકોટા, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. તેના ખિસ્સામાંથી મળેલા  મંગળસૂત્ર લઇને હું દુકાનમાં ગયો હતો. લોકો તેને પકડીને બહાર રોડ પર  લઇ આવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ તેને મેથીપાક ચખાડયો હતો.